ભરૂચ : ગુરુ-શિષ્યાના પવિત્ર સબંધને લજવતો એક ચકચારી બનાવ ભરુચના એક ગામમાંથી ગામમાં સામે આવ્યો છે. માત્ર 12 વર્ષની બાળકી સાથે નરાધમ ડાન્સ ટીચરે છેડતી કરી હતી. જોકે આ મામલો પ્રકાશમાં આવતા માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. લંપટ ડાન્સ ટીચર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. ઉપરાંત આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ચકચારી બનાવ : એક ખાનગી સ્કૂલના ડાન્સ ટીચર ધ્રુવિલ બાબુભાઈ પટેલે 12 વર્ષની માસૂમ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા. બાદમાં આ સમગ્ર મામલો સામે આવતા પીડિતાના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એચ. બી. ગોહિલના જણાવ્યા અનુસાર ગત 23 ઓક્ટોબર 2023 ના રોજ રાત્રીના સમયે 12 વર્ષની બાળકીના માતા-પિતા બહાર ગયા હતા. ત્યારે બાળકી ઘરે એકલી હતી. આ બાબતની જાણ સગીર બાળકીના ડાન્સ ટીચરને થતા બાળકીની એકલતાનો લાભ લઈ નરાધમ બાળકીના ઘરે પહોંચ્યો હતો.
નરાધમ શિક્ષક : સોસાયટીમાં ચાલતા ગરબા દરમિયાન લંપટ ડાન્સ શિક્ષક ધ્રુવિલ બાબુભાઈ પટેલ વિદ્યાર્થીનીને ફોન કરી તેના બેડરૂમમાં પહોંચી ગયો હતો. જ્યાં નરાધમ શિક્ષકે સગીર બાળકી સાથે ખરાબ અડપલા કર્યા હતા. ઉપરાંત કદાચ આ ઘટનાના ફોટા પણ પાડ્યા હતા. કારણ કે, માતા-પિતાએ જ્યારે પુત્રીનો મોબાઈલ તપાસ કર્યો તો તેઓ ચોંકી ઉઠ્યા હતા. બાળકીના મોબાઈલમાં ઘરના બેડરૂમમાં નવરાત્રીએ પાડેલા આપતિજનક ફોટોગ્રાફ્સ હતા.
આરોપી ઝડપાયો : આ મામલે પીડિતાના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસ દ્વારા સર્વેલન્સ ટીમ બનાવી હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે લંપટ શિક્ષકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે પગુથણ ગામની દિલ્હી પબ્લિક સ્કૂલના ડાન્સ એન્ડ આર્ટ શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોબાઈલમાં મળ્યા બાળકીઓના ફોટા : આરોપી શિક્ષક ધ્રુવિલ બાલુભાઈ પટેલના મોબાઇલમાં વૈજ્ઞાનિક ઢબે વધુ તપાસ કરતા અન્ય સગીર બાળકોઓના પણ ફોટોગ્રાફ મળી આવ્યા છે. જેના આધારે 5 થી વધુ વિદ્યાર્થીનીઓ નરાધમની વિકૃતિનો ભોગ બની હોવાના અહેવાલ છે. આરોપીનો મોબાઇલ કબજે લઇ તપાસ અર્થે ફોરેન્સિક લેબમાં મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ આરોપીએ અન્ય કોઈ બાળકીને પોતાની જાળમાં ફસાવી છે ? તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.