ભરૂચઃ કોરોનાનું હોટસ્પોટ બનેલ જંબુસર ખાતે પ્રાંત કચેરીમાં કોરોના અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કલેક્ટરે જિલ્લા સહિત ખાસ કરીને જંબુસરની પ્રજાજનોને જરૂર પડે, ત્યારે કોરોના અંગેનો લેબોરેટરી ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો હતો. આમ. કલેકટરે ભરૂચ જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓને જિલ્લાની હોસ્પિટલમાં જ સારવાર કરાવવા અનુરોધ કર્યો હતો.
જંબુસર શહેરમાં 100 ટકા નગરજનોને હોમીયોપેથી અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગે કલેક્ટરે અધિકારીઓ સાથે સમીક્ષા કરીને લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓને ભરૂચ જિલ્લા અને જંબુસરના કોરોનાના દર્દીઓનું સતત મોનીટરીંગ કરવા જણાવ્યું હતું.
આ સિવાય કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં પણ કડક રીતે અમલીકરણની સાથો સાથ પ્રજાજનોને ખાસ આવશ્યકતા વગર ઘરની બહાર ન નીકળવા જણાવ્યું હતું અને અધિકારીઓ પણ આ રોગ સામે સાવચેતી-સલામતી રાખવા સુચના આપવામાં આવી હતી.