ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરમાં રૂપિયા 80 લાખની છેતરપીંડી કરનારા આરોપીની પોલીસે કેરળથી ધરપકડ કરી છે. આરોપી વ્યવસાયમાં દેવું થઇ જતા મિત્ર પાસેથી તબક્કાવાર રૂપિયા લઇ કેરળ ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વર GEB પાસે આવેલી આદર્શ સોસાયટીમાં રહેતા રીખવદેવ તીર્થરામ શર્માએ વર્ષ 2016થી વર્ષ 2018 સુધી તેઓના મિત્ર બીજું પી.એ. અને તેઓના સાળા મનોજ કે.ઉલ્લાહનને વિવિધ ચેકથી વેપાર અર્થે રૂપિયા 80 લાખ ઉછીના આપ્યા હતા. જે પરત માંગતા બન્ને બહાના બતાવતા હતા અને થોડા સમય બાદ તેઓ તેમના વતન કેરળ રવાના થઇ ગયા હતા. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે વર્ષ 2019માં ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસને એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ભરૂચ પોલીસની ટીમે કેરળ પહોચી આરોપી બીજું પી.એની ધરપકડ કરી તેને અંકલેશ્વર શહેર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. આરોપીની પૂછતાછ કરાતા ચોકાવનારો ખુલાસો થયો હતો. બન્ને સાળા બનેવી વિવિધ પ્રકારની બેટરીની એજન્સી ધરાવતા હતા, જેમાં તેમને ભારે ખોટ ગઈ હતી. ફરિયાદી રીખવદેવ શર્મા બીજું પી.એ.નાં સારા મિત્ર હોય તેણે તેમની પાસે વ્યવસાયમાં રોકાણ કરવાના બહાને તેમની પાસે રૂપિયા માંગ્યા હતા અને એ રૂપિયા લેણદારોને ચૂકવી કેરળ ફરાર થઇ ગયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.