ભરૂચઃ જિલ્લાના મહમદપુરા વિસ્તારમાં આવેલા એ.પી.એમ.સી.ને તંત્ર દ્વારા વડદલા ગામ ખાતે ખસેડવા આદેશ આપાયો છે. ત્યારે જાહેરનામાં બાદ સસ્તાભાવે શાકભાજી અને ફ્રૂટ ખરીદવા લોકો અને વેપારીઓએ લોકડાઉનનો ભંગ કર્યો હતો.
એપી.એમ.સી બંધ કરી દેવામાં આવ્યું હોવા છતાં માર્કેટની બહાર વેપારીઓએ લારી ગોઠવી દઈ શાકભાજી અને ફ્રુટનું વેચાણ શરૂ કર્યું હતું. જેના કારણે ભારે ભીડ એકઠી થઇ હતી. જેના પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડી મહમદપુરા વિસ્તારમાં આવેલા એપી.એમ.સી.ને વડદલા ખાતે ખસેડવાના આદેશ અપાયા હતા.
જાહેરનામું પ્રસિદ્ધ થતા જ વેપારીઓએ તેમની પાસે રહેલા શાકભાજી અને ફ્રુટ સસ્તા ભાવે વેચવાનું શરૂકર્યું હતું. જેના પગેલ રાત્રીના સમયે માર્કેટ બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને એક તબક્કે મેળા જેવો માહોલ સર્જાયો હતો.
જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હળવો બળ પ્રયોગ કરી લોકોને ત્યાથી દૂર કર્યા હતા. જીવલેણ કોરના વાઈરસ ધીમે ધીમે પ્રસરી રહ્યો છે. આવા સમયમાં પણ લોકો સમજી નથી રહ્યા અને આ પ્રકારની ભીડ એકત્રિત કરી રહ્યા છે.
તો બીજી તરફ વેપારીઓ દ્વારા પણ અક્કડ વલણ દાખવવામાં આવી રહ્યું છે. આ ભીડનાં કારણે કરોના વાઈરસનું સંક્રમણ થાય તો દોષ કોને આપવોએ પ્રશ્ન ઉભો થયો છે.
વડદલા ખાતે આવેલા સબ યાર્ડમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ભરૂચ એપી.એમ.સી.ના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એપી.એમ.સી ઝડપથી કાર્યરત થાય એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.