- ભરૂચમાં ઠેર-ઠેર કરાઈ નવા વર્ષની ઉજવણી
- 31મી ડીસેમ્બરની રાત્રિએ પોલીસે કર્યું સઘન ચેકિંગ
- જિલ્લામાંથી 28થી વધુ નશેબાજોની કરાઇ ધરપકડ
ભરૂચઃ નવા વર્ષની ઉજવણી માટે જિલ્લામાં અનેરો ઠનગનાટ જોવા મળ્યો હતો, ત્યારે નશેબાજોના રંગમાં પોલીસે ભંગ પાડયો હતો. નવા વર્ષને આવકારવા ઠેર-ઠેર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે ત્રાટકી નશેબાજો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં પોલીસ દ્વારા દહેજ ખાતે દેશી દારૂના 12 અડ્ડા પર દરોડા પાડી 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 42 લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
દારૂના અડ્ડાઓ પર પણ તવાઈ
અંકલેશ્વર શહેર પોલીસે નશાની હાલતમાં 4 ઇસમોને ઝડ્પી પાડ્યાં હતા. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે 4 દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી 4 બુટલેગરોની અટકાયત કરી હતી અને 14 લીટર દારૂ કબ્જે કર્યો હતો, જ્યારે 1 વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાયો હતો.
પોલીસે દરોડા પાડી દેશી દારૂ ઝડપ્યો
જંબુસર પોલીસે દેશી દારૂના 3 અડ્ડા પર દરોડા પાડી 3 આરોપીઓ સહિત 6 લીટર દારૂ ઝડપ્યો હતો. પાલેજ પોલીસે 2 દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી 2 આરોપી સહિત 12 લીટર દારૂ ઝડપ્યો હતો. નેત્રંગ પોલીસે 2 દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી 7 લીટર દારૂ સાથે 2 બુટલેગર ઝડપી પાડ્યા હતા, તેમજ 3 ઈસમોની નશાની હાલતમાં ધરપકડ કરી હતી. ઝઘડિયા પોલીસે એક આરોપીની નશાની હાલતમાં ધરપકડ કરી હતી. આમ ભરૂચ જિલ્લામાંથી વિવિધ સ્થળોએથી 28 જેટલા નશેબાજોને ઝડપી પાડવામાં આવ્યાં છે.