ભરૂચઃ અંકલેશ્વર ઉદ્યોગો ભલે અનેક લોકોને રોજગારી આપતા હોય, પરંતુ કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાવી જીવ સૃષ્ટિનું નિકંદન પણ કાઢવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં અનેકવાર જળચરના મોત નીપજવાની ઘટના બનતી હોય છે. આ વચ્ચે વધુ એક વખત અસંખ્ય માછલાઓના મોત થયા હતા. અમરાવતી નદી અંકલેશ્વરના ઉદ્યોગો માટે પ્રદૂષિત પાણી છોડવા માટેની જાણે લાઈફ લાઈન બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
બેજવાબદાર ઉદ્યોગો દ્વારા નદીમાં બેફામ પને પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવે છે અને તેની વિપરીત અસર જળચર પર થઇ રહી છે. નદીમાં વધુ એક વખત અસંખ્ય માછલાઓના મોત થવાને કારણે સ્થાનિકોએ તેમજ પર્યાવરણ પ્રેમીઓએ આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરી હતી. જેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ આવી સેમ્પલ લીધા હતા. જો કે, દર વખતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માત્ર સેમ્પલ જ લઈને સંતોષ માનવામાં આવે છે, પરંતુ નક્કર પગલા કોઈ ભરાતા નથી અને તેના કારણે બેજવાબદાર ઉદ્યોગોની હિંમત વધી જાય છે. જેથી આવા ઉદ્યોગો સામે લગામ કસવામાં આવે અને જીવ સૃષ્ટિને બચાવવામાં આવે તેવી લાગણી સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓમાં જોવા મળી રહી છે.