ભરૂચઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા યસ બેંક પર વિવિધ નિયંત્રણો લાદી દીધાં છે, ત્યારે યસ બેન્કની વિવિધ શાખાઓ પર ખાતેદારોનો ધસારો જોવા મળ્યો હતો. જો કે ભરૂચની યસ બેન્કની શાખા પર શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.
રિઝર્વ બેન્ક દ્વારા ગુરુવારે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર કલમ 36ac હેઠળ પ્રતિબંધ મૂકીને નાણાં ઉપાડની મર્યાદા 50 હજાર કરી નાખી છે. રિઝર્વ બેન્ક દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવતાં જ બેન્કમાં ખાતાં ધરાવતાં ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે અને યસ બેન્કની વિવિધ શાખા પર નાણાં ઉપાડવા લાઈન લગાવી રહ્યા છે.
હોબાળાના પગલે કેટલાક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. બીજી તરફ ભરૂચના અંકલેશ્વરની યસ બેન્કની શાખા પર શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો બેંક પર આવી તો રહ્યાં છે જો કે, પૂછપરછમાં સંતોષકારક જવાબ મળતાં સંતોષ માની પરત જઈ રહ્યાં છે.