અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભત્રીજાએ ફોઇની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. આ હત્યા રાત્રીના સમયે તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે રહેતા અમીબહેન વસાવા ગત રાત્રીના તેમના ઘરે હતા. એ દરમ્યાન તેમના સગા ભત્રીજા દ્વારા જ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી પ્રવીણ વસાવાએ મૃતક અમીબહેનને તીક્ષણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા.
જેમાં ગંભીર ઈજાના પગેલ તેમનું મોત નીપજયું હતું. આ તરફ હત્યાના ગુન્હાને અંજામ આપી પ્રવીણ ફરાર થઇ ગયો હતો. તેમજ સવારના સમયે મૃતકની દીકરી ઘરે પહોચતા આ અંગેની જાણ થઇ હતી. જેના પગલે ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના દોડી આવ્યો હતો. તેમજ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો .
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસની તપાસમાં હત્યાના કારણ અંગે ચોકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો. જેમાં મૃતક અમીબહેનનાં પુત્રના આરોપી પ્રવીણની પત્ની સાથે આડા સંબંધનો વહેમ હોય આ બાબતે પ્રવીણ અને અમીબહેન વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પ્રવીણે ઉશ્કેરાઈ જઈ સગી ફોઈની જ હત્યા કરી દીધી હતી.