ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે 8 જુલાઈના રોજ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 15 પોઝિટિવકેસ નોધાયા છે.આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 367 પર પહોંચી છે.
જેમાં ભરૂચમાં 7, અંકલેશ્વરમાં 4, હાંસોટમાં 2 અને વાગરા તથા આમોદમાં કોરોના વાઇરસનો વધુ એક એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા હાંસોટના વાલનેર ગામના એક વ્યક્તિનું મોત થતા જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુ આંક 14 પર પહોંચ્યો છે, તો જિલ્લામાં આજે બુધવારે 12 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસના 194 દર્દી સાજા થતા તમને રજા આપવામાં આવી છે. તો હવે 159 દર્દીઓ સારવાર હેઠળ છે.
ભરૂચની જાણીતી આર. કે કાસ્તા હોસ્પીટલના તબીબ ડો. મિલાપ શાહ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેઓને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે. તો એક નગર સેવક રાજશેખર દેશન્વાર પણ ચકાસણી કરાવાતા તેઓને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓને સારવાર અર્થે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ અંકલેશ્વરના ધારાસભ્ય અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલ ઉર્ફે દાસને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ વાલ્નેર ગામના કોરોના પોઝિટિવ મૃતકના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર બાદ કોરોના થયો હોવાની માહિતી મળી રહી છે. તેઓને પણ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.