ભુજમાં ગટર સમસ્યા વિકરાળ બની છે, માર્ગો તૂટી ગયા છે, નવા માર્ગો ત્યારે જ બને જો અગાઉના બિલના રૂપિયા પાસ થાય, સફાઈના નામે હાલ ભુજ શહેર પીડાઈ રહ્યું છે. પ્રજાને હાલાકી પડી રહી છે. આમ ભુજ પાલિકા કામગીરી નથી કરી રહી ત્યારે ETV ભારતની ટીમે પાલિકા કચેરીની મુલાકાત કરી હતી. ત્યારે કેટલીક મહિલાઓ રજૂઆત કરવા પહોંચી હતી. ત્યાં મુખ્ય અધિકારી નિતીન બોડાતને ટેક્સના રૂપિયા બાબતે હંગામો મચી ગયો હતો. તેઓના આ વર્તન પાછળ એક જૂથમાં સામેલ ગણાતા નગરસેવક કૌશલ મહેતાના મોરચાની આગેવાની હોવાનું જણાવ્યું હતું. કારણ કે, આ અગાઉ પણ બંને જણની ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં સમસ્યાના મુદ્દે બંનેની વાત બહાર આવી હતી. આ સ્થિતિ વચ્ચે પ્રમુખ લતાબેન સોલંકીએ તેમની ચેમ્બરમાં બોલાવતાં જ ચીફ ઓફિસર કચેરી છોડીને ચાલ્યા ગયા હતા.
ETV ભારતે થોડી તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, આ સમગ્ર ડખો ભાજપની આંતરિક જૂથબંધીના કારણે છે, કોંગ્રેસના નગરસેવક ફકીરમામદે જણાવ્યું હતું કે, સત્તાપક્ષના વોર્ડમાં કામ નથી થતા તો કોંગ્રેસ નગરસેવકોના વોર્ડની શું હાલત હશે. ભાજપની નબળી નેતાગીરી તેમના આંતરિક ડખા નથી ઉકેલેતી જેના કારણે પ્રજાનો ખો નીકળી રહ્યો છે તેનું દુઃખ છે.
નગરપાલિકાના જાાણકાર સૂત્રોએ કહ્યું હતું કે, પાલિકાના બોડીમાં પગ જમાવી લેનારા કેટલાક ભ્રષ્ટ લોકોને હજુ પણ પોતાના પગ બહાર કાઢવો નથી. બીજી બોડી છે તે ભુજના ધારાસભ્ય સાથે રહે છે. આમ સંગઠનના નેતાઓ આસપાસ રહેનારાનું જૂથ અને ભુજના ધારાસભ્યનો જૂથ સામસામે છે. ભાજપના નગરસેવકો બીજાના જૂથમાં વેચાઈ જવાથી ડખા થાય છે. કારોબારી સમિતિની બેઠક લેવાતી નથી. આ બેઠક મળે તો રજૂ થયેલા બિલ પાસ ન થવા દેવા સહિતના ડખા કરાય છે. સામે તરફનું જૂથ પણ મચક આપતા નથી. બંનેના ડખામાં વિકાસને અસર પહોંચવા સાથે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
જાણકારો કહે છે જો બંને જૂથ મળી જાય તો પાલિકાનું શાસન દોડતું થઇ જાય તેમ છે, પણ માત્ર ભ્રષ્ટાચારમાં ભાગ અને કોનો હાથ ઉપર રહે તે બાબત જ મહત્વપૂર્ણ છે. કચ્છ ભાજપના તમામ જવાબદારો આ સમગ્ર કહાનીથી વાકેફ છે પણ હજુ સુધી નબળી નેતાગીરી સ્પષ્ટ અને શિસ્તબદ્ધ નિર્ણય નથી લઈ શકતી તે હકીકત છે.