ભરૂચઃ ભારત-ચીનના ઘર્ષણ દરમિયાન આપણા 20 જવાનો શહિદ થયા હતા. આથી સમગ્ર દેશવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓ તેમનો રોષ ઠાલવવા લોકો ક્યાંક ચીનના મોબાઈલ તો ક્યાંક ટીવી તોડી રહ્યા છે. આ સાથે જ લોકો ચીનની એપ્લિકેશન અનઇન્સ્ટોલ પણ કરી રહ્યા છે. પરંતુ ચીન સામેના યુદ્ધમાં ઉદ્યોગ જગત ચૂપ નજરે પડ્યું છે. ઉદ્યોગોના આ મૌન પાછળનું કારણ ચીનની તરફદારી નહિ પણ તેઓની મજબૂરી છે. અંકલેશ્વરના ગોલ્ડન કોરિડોરના કેમિકલ ઉદ્યોગો પૈકી 60 ટકાથી વધુ ઉદ્યોગ ચીની કાચા માલ ઉપર નિર્ભર છે. આપણા ઘરેલુ ઉત્પાદન કરતા પણ સસ્તા કાચા માલની નિકાસ કરનારા ચીને બલ્ક પ્રોડક્શનથી ભારતીય ઉદ્યોગોને ઘૂંટણિયે પાડ્યા છે.
આ અંગે અંકલેશ્વરના કેમિકલ ઉત્પાદક પ્રવીણ તેરૈયાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત - ચીન વચ્ચે થયેલા ઘર્ષણમાં 20 ભારતીય સૈનિકો શહિદ થયા છે. આથી સમગ્ર દેશ વાસીઓનો ચીન સામે આક્રોશ દેખાય રહ્યો છે, તેમજ ચીની વસ્તુઓના બહિષ્કાર માટે આંદોલન થાય છે. ચાઇનીઝ મોબાઈલ અને ટીવીનો બહિષ્કાર પણ શક્ય છે.પરંતુ કેમિકલના બહિષ્કાર માટે સરકારે પ્રોત્સાહિત કરવા જોઈએ, તેમજ ચીનમાં બનતો કાચો માલ ભારતમાં જ બને એ પ્રકારનું વાતાવરણ ઉભું કરવું જોઈએ. ભારત ચીનને ટક્કર આપવામાં સક્ષમ છે. ચીનની હરકતો સામે નારાજગી અને રોષ હોવા છતાં ઉદ્યોગો કબૂલી રહ્યા છે કે, ચીનના સામાનને જાકારો આપવો ઉદ્યોગો માટે આસાન નથી. ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવા માટે સસ્તું ઉત્પાદન અને સરળ નીતિઓ જરૂરી છે. આમ છતાં સરકાર સાથ આપે તો ઉદ્યોગો ચીની ઉત્પાદન સામે સ્થાનિક ઉત્પાદન શરુ કરવા જોખમ ઉઠાવવા પણ તૈયારી બતાવી રહયા છે.
આ અંગે અન્ય એક ઉદ્યોગપતિ જશુ ચૌધરીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે ચીનથી આવતા કાચા માલ પર પ્રતિબંધ જાહેર કરવો જોઈએ. તેમજ ભારતમાં જ કાચા માલનું ઉત્પાદન શરુ કરવું જોઈએ, આથી આપણા જ દેશમાં ઉત્પાદન થાય અને ઉદ્યોગોને આર્થિક લાભમાં પણ વધારો થાય. આ માટે સરકારે ટેક્ષમાં પણ રાહત આપવી જોઈએ. ચીનને થતો આર્થિક લાભ ભારતીય સૈન્ય સામેના ફન્ડિંગ સમાન માનવામાં આવી રહ્યું છે, ત્યારે ઉદ્યોગો ચીન સામે આર્થિક યુદ્ધમાં ઉદ્યોગોને ઝડપી પરવાનગીઓ અને સસ્તા ઉત્પાદન માટે લાભ આપે તેવી ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે.