એક તરફ લોકો આનંદ ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મજા માણી રહ્યા હતા. તો, બીજી તરફ અકસ્માતોનાં અનેક કેસ જોવા મળ્યા હતા. ઉત્તરાયણનાં પર્વ પર ભરૂચમાં અકસ્માતોના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે ધાબા પરથી નીચે પડવાને કારણે અને દોરીથી ઈજા પામવાના 23 કેસ નોંધાયા હતા. તો અન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણનાં દિવસે ઈમરજન્સી કેસમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લા ઈમરજન્સી સેવા 108 દ્વારા હેન્ડલ કરવામાં આવેલા કેસની વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં ધાબા પરથી પટકાવવા અને પતંગની દોરીથી ઈજા પામવાના 23 કેસ નોંધાયા હતા. સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઈમરજન્સીનાં 80થી 90 હોય છે. પરંતુ ઉત્તરાયણનાં દિવસે ઈમરજન્સીનાં 113 કેસ નોંધાયા હતા. ભરૂચ જિલ્લામાં 108ની 16 એમ્બ્યુલન્સ ચોવીસ કલાક ખડેપગે તૈનાત રહી હતી અને લોકોને સારવાર પૂરી પાડી હતી.