ભરૂચઃ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. નંદેલાવ રોડ પર આવેલી સરદાર નગર સોસાયટી તથા અલંકાર રો હાઉસમાં કોરોનાના એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.
જિલ્લામાં અનલોક-1માં કોરોના વાઈરસ બેકાબૂ બની રહ્યો છે. ત્યારે આજે મંગળવારે વધુ 2 પોઝિટિવ કેસ નોધાયા છે. સરદાર નગર સોસાયટીમાં રહેતા 28 વર્ષીય યુવાન ઉમેશ પ્રજાપતિ અને જૂની આર.ટી.ઓ.કચેરી નજીક આવેલા અલંકાર રો હાઉસમા રહેતી 47 વર્ષીય મહિલા સુમિત્રા પરમારના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બંને કોરોના દર્દી સંબંધી છે, અને સુરત ઓપરેશન માટે ગયા હતા તો તેમના ઘરે અમદાવાદથી કોઈ સંબંધી આવ્યા હતા એ દરમિયાન કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 59 પોઝિટિવ કેસ થયા છે. જે પૈકી 4 દર્દીઓના મોત નીપજ્યા છે, તો 36 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે, ત્યારે જિલ્લામાં કોરોના વાઈરસના કુલ 19 કેસ એક્ટીવ છે.