- ભરૂચમાં છોટુ વસાવાના પરિવારના 2 સભ્યોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું
- છોટુ વસાવાના પુત્રએ નોંધાવી ઉમેદવારી
- સરલા વસાવાએ પણ ફોર્મ ભર્યું
- BTPમાંથી બે બેઠક પર ભર્યું ઉમેદવારીપત્ર
ભરૂચ: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં નાગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાતની ચૂંટણીમાં આજે રવિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. એક તરફ રાજકીય પક્ષો પરિવારવાદથી દૂર હોવાના દાવા કરી રહ્યા છે તો બીજી તરફ ઝઘડીયાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવાના પરિવારના બે સભ્યોએ પણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છોટુ વસાવાના પરિવારના સરલા વસાવાએ ભરુચ જિલ્લા પંચાયતની ધારોલી બેઠક પરથી તો તેમના પુત્ર દિલિપ વસાવાએ રાજપારડી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. દિલિપ વસાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે તાલુકા સેવા સદન પર પહોચ્યા હતા અને પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું તો સાથે જ તેમણે પોતાની જીતના દાવા પણ કર્યા હતા.
છોટુ વસાવાના એક પુત્ર છે ધારાસભ્ય
અત્રે ઉલ્લેખનીય છે કે, છોટુ વસાવા ઝઘડીયાના ધારાસભ્ય છે અને તેમના એક પુત્ર નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય છે. હવે તેમના પત્ની અને અન્ય પુત્રએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.