ભરૂચ: અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં રસાયણયુક્ત પ્રવાહીનો ગેરકાયદેસર રીતે નિકાલ કરાતા ચકચાર મચી છે. ટેન્કર ચાલક દ્વારા કેમિકલયુક્ત પ્રવાહી બાકરોલ ગામની સીમમાં આવેલ કેનાલના મુખ્ય માર્ગ ઉપર નાખી જતા ભારે દોડધામ મચી હતી. આ કેમિકલયુક્ત રસાયણના કારણે ગેસ ઉત્પન્ન થયો હતો.
જેનાથી રાહદારીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. તો નજીકના ખેતરમાં રહેલ ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ગ્રામજનોએ આ અંગે જીપીસીબીને જાણ કરતા જીપીસીબીનાં અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સેમ્પલ લઇ તપાસ શરૂ કરી હતી. કોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા પર્યાવરણ વિરોધી આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નજીકમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પણ કેમિકલ ભળતા જળ પ્રદુષણની પણ આશંકા સેવાઈ રહી છે.