ભરૂચઃ જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ ઉડીને આંખે વળગે એવો છે. મોટી-મોટી કંપનીઓ અને એમાં મળતી રોજગારી, ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, ઝઘડીયા, પાનોલી, દહેજ અને ભરૂચ મળી કુલ પાંચ ઓદ્યોગિક વસાહતો આવેલી છે, જેમાં 2405 જેટલા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે. એશિયાની સોથી મોટી ઔદ્યોગિક વસાહતનું બિરુદ પામેલા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને કેમિકલ કલસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ જ કેમિકલ ઉદ્યોગો ભરૂચ જિલ્લામાં જીવતા બોમ્બ સમાન છે. છાશવારે સર્જાતી ઔદ્યોગિક અકસ્માતની પરિસ્થિતિ જિલ્લાવાસીઓ માટે જાણે મોતને સંદેશો લઇને આવે છે. ઉદ્યોગોમાં વારંવાર આગ, ગેસ ગળતર અને બ્લાસ્ટના બનાવો બને છે, જેના કારણે કંપનીમાં કામ કરતા કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.
ભરૂચ જિલ્લામાં એક મહિનામાં સરેરાશ 15થી વધુ નાના મોટા ઔદ્યોગિક અકસ્માતો નોંધાય છે, ત્યારે ચોક્કસ જ ઉદ્યોગોની બેદરકારી છતી થાય છે અને જેના કારણે કામદારોની સાથે સાથે જિલ્લાવાસીઓના જીવ પણ જોખમમાં મૂકાય છે. નિષ્ણાતોનું માનીએ તો ઉદ્યોગકારો ઉદ્યોગોમાં સુરક્ષા અને સલામતીના પગલાં ભરવામાં બેદરકારી દાખવે છે અને તેના કારણે મોટા ઔદ્યોગિક અકસ્માતો થાય છે. આ ઉપરાંત ફેક્ટરી ઇન્સ્પેકટરો અને તંત્રના અધિકારીઓ પણ તેઓની ફરજમાં બેદરકારી દાખવતા હોવાના કારણે ઓદ્યોગિક અકસ્માતો થાય છે.
જીવતા બોમ્બ સમાન આ ઉદ્યોગોમાં ઓદ્યોગિક અકસ્માતો થાય ત્યારે તેને અંકુશમાં લેવા ડીઝાસ્ટર એન્ડ પ્રિવેન્શન સેન્ટર કાર્યરત છે, જે પોતાના કાફલા સાથે પહોચી આગ અને ગેસ ગળતરના બનાવો પર કાબૂ મેળવે છે. જો કે આજના જમાના પણ ડીઝાસ્ટર એન્ડ પ્રિવેન્શન સેન્ટરમાં અત્યાધુનિક મશીનરીની ખોટ હોવાના આક્ષેપ થાય છે અને મોટી હોનારત વખતે અન્ય જિલ્લાના ફાયર વિભાગ પર પણ આધાર રાખવો પડે છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં કાર્યરત આ ઉદ્યોગો જીવનું જોખમ ઉભું કરી રહ્યા છે. આ ઉદ્યોગોમાં સર્જાતા ઓદ્યોગિક અકસ્માતોને અંકુશમાં લેવા તંત્ર દ્વારા પગલા ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે, નહિ તો આજે વિશાખાપટ્ટનમ અને અગાઉ ભોપાલમાં સર્જાયેલ યુનિયન કાર્બાઈડ વાળી ઘટના સર્જાતા વાર નહિ લાગે. ઓદ્યોગિક અકસ્માતોના ભોગે ઓદ્યોગિક વિકાસ તો ન જ હોવો જોઈએ.
-ભરૂચ જિલ્લામાં 2405 જેટલા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત
-જીવતા બોમ્બ સમાન 94 ઉદ્યોગો અત્યંત જોખમી