ભરૂચ: જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ વૃક્ષો અને મકાન ધરાશયી થવાના બનાવ બન્યા હતા.
ભરૂચમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બંબાખાના વિસ્તારમાં અંબે માતા સ્કૂલ નજીક આવેલા એક મકાનનો દાદરનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. જેના પગલે દોડધામ મચી ગઇ હતી. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.
અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદ ખબક્યો હતો. જેને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા, ત્યારે આજરોજ ફરી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા માલી ખડકીમાં જર્જરિત 2 માળનું ખાલી મકાન એકાએક ધરાશાયી થયું હતું.
જેને કારણે અન્ય મકાન માલિકોમાં દોડધામ મચી ગઇ હતી. જો કે મકાન ખાલી હોવાને કારણે કોઈને જાનહાનિ નહિ થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચના ટ્રાયબલ બેલ્ટ પર આવેલા નેત્રંગ પંથકમાં પણ ભારે વરસાદના પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.