- પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી
- 18 લોકોના મોત થયા હતા
- ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસકર્મીઓને સરકાર આપશે રૂપિયા 5 લાખનું ઈનામ
ભરૂચ : જિલ્લાની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ (Patel Welfare Hospital)માં આગ ફાટતા 18 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલામાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને ઘણા દર્દીઓના જીવ બચાવ્યા હતા. આ ઘટનાને લઇ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા 5 લાખનું ઇનામ આપવામાં આવશે.
આ પણ વાંચો : પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો જવાન શહીદ
મુખ્યપ્રધાને પોલીસની કામગીરીને બિરદાવી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવ્યો હતો.આ ઘટનામાં જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર કોરોનાની સારવાર લઇ રહેલા 25 જેટલાં દર્દીઓનો જીવ બચાવ્યો હતો. તો આ સાથે અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી. જેથી એમને પ્રોત્સાહિત કરવા રાજય સરકારે આ નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા FRI નોંધાઇ