ભરૂચઃ શહેરમાં દહેજ રોડ પર ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી જતા ટેમ્પામાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.અને અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ટ્રક અને મીની ટેમ્પા વચ્ચે સર્જાયો અકસ્માત
અંકલેશ્વરનાં કેટલાક વેપારીઓ દહેજના જોલવા ખાતે બજારમાં ધંધાર્થે જવા નીકળ્યા હતા. મીની ટેમ્પામાં 6 જેટલા લોકો દહેજ જઈ રહ્યા હતા. ભરૂચ દહેજ રોડ પર દશાન ગામ નજીક પુરઝડપે જતી ટ્રકનાં ચાલકે મીની ટેમ્પાને ટક્કર મારી હતી.જેમાં ટેમ્પો પલટી મારતા ટેમ્પામાં સવાર તમામ લોકો માર્ગ પર પટકાયા હતા. જેમાં 2 યુવાનોના ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ દહેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.