ભરૂચ: વસંત મીલની ચાલ, જૂની વાડી વિસ્તારમાં રહેતા મૂળજીભાઈ ગલચર ચા ની રેકડી ચલાવે છે. બોલ બેટમ પેન્ટ, બચ્ચનની જુની ફિલ્મો જેવી હેરસ્ટાઈલ અને શરીરને ચપો-ચપ પહેરેલો શર્ટ. તેમને આ અવતારમાં જોઈને જ કોઈ કહી દે કે તેઓ કેટલી હદે અમિતાભ બચ્ચનને ચાહે છે. કપડાની, વાળની અનેક સ્ટાઈલ આવીને જતી રહી. બોલીવુડમાં અને અભિનેતાઓ આવ્યા પણ મૂળજીભાઈએ અમિતાભની એજ સ્ટાઈલ 35 વર્ષથી અપનાવી રાખી. એટલુ જ નહીં પોતાની ચા ની રેક્ડીનું નામ પણ તેમણે બીગ બી રાખ્યુ.
એમ કહી શકાય કે, મૂળજીભાઈના પહેરવેશમાં, વર્તનમાં, હેર સ્ટાઈલમાં અને વ્યવસાયમાં શહેનશાહ પ્રત્યેના પ્રેમની ઝલક દેખાઈ આવે છે. તે છુપી રહેતી નથી. બચ્ચન પરિવાર પર અથવા તો બીગ બી પર જ્યારે જ્યારે કોઈ આફત કે સંકટ આવ્યુ ત્યારે ત્યારે મૂળજીભાઈ વ્યથિત થયા છે.
હાલમાં કોરોના સામાન્ય માણસથી માંડી સેલિબ્રિટીઝને પોતાના ઘાતકી પંજામાં જકડી રહ્યો છે. કોરોનાના જોર સામે જીંદગીની ડોર કમજોર થઈ રહી છે. કરોડો દિલો પર રાજ કરતા અમિતાભ તેમજ અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા કોરોનાથી સંક્રમિત થયા છે. બચ્ચન પરિવાર અને અન્ય હજારો કોરોના દર્દીઓ વહેલા તંદુરસ્ત થાય તે માટે મૂળજીભાઈએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હવન પૂજન કરી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.