શંકાસ્પદ કોરોનાના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનો અસ્થી લેવામાં પણ ડરે છે - coronavirus news
ભરૂચ જીલ્લામાં શંકાસ્પદ કોરોનાના કારણે મૃત્યુ પામેલાઓને કોવિડ સ્મશાનમાં અગ્નિ દાહ અપાયા બાદ તેઓના અસ્થી લેવા પણ મૃતકના પરિવારજનો નથી આવતા. આવા મૃતકોના અસ્થિનું વિસર્જન સ્મશાનના સંચાલકો અને સ્વયંસેવકો જાતે જ કરે છે.
- શંકાસ્પદ કોરોનાના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનો અસ્થી લેતા પણ ડર અનુભવે છે
- કોવિડ સ્મશાનમાં 75 ટકા મૃતકોના અસ્થી પરિવારજનો ન લઇ જતા સ્મશાનના સંચાલકોએ જ અસ્થી વિસર્જન કર્યા
- સંચાલકો અને સ્વયં સેવકો દ્વારા પવિત્ર નર્મદા નદીમાં અસ્થી વિસર્જન કરી મૃતકની આત્માની શાંતિ માટે કરાય છે પ્રાર્થના
ભરૂચઃ ભરૂચ જીલ્લામાં શંકાસ્પદ કોરોનાના કારણે મૃત્યુ પામેલાઓને કોવિડ સ્મશાનમાં અગ્નિ દાહ અપાયા બાદ તેઓના અસ્થી લેવા પણ મૃતકના પરિવારજનો નથી આવતા. આવા મૃતકોના અસ્થિનું વિસર્જન સ્મશાનના સંચાલકો અને સ્વયંસેવકો જાતે જ કરે છે.
ભરૂચ જીલ્લામાં કોરોનાના કારણે મૃત્યુ થયેલાઓની સંખ્યા ભલે સત્તાવાર રીતે 29 જ હોય પરંતુ રાજ્યના એક માત્ર કોવિડ સ્મશાનમાં હાલ સુધીમાં શંકાસ્પદ કોરોનાના કારણે અગ્નિદાહ અપાયેલા મૃતકોની સંખ્યા 308 છે. કોરોનાના ભયના કારણે મૃતકોને તેઓના પરિવારજનો અગ્નિ દાહ આપતા તો ડરે જ છે. પરંતુ મૃતકનું શરીર પંચ મહાભૂતમાં વિલીન થયા બાદ તેના અસ્થી લેતા પણ ડરે છે.
હિંદુ શાસ્ત્ર પ્રમાણે મૃત્યુ બાદ મૃતકના અસ્થિનું પવિત્ર નદીના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. જેથી મૃતકની આત્માને શાંતિ મળી શકે પરંતુ હાલ આ બીમારીએ એટલી દહેશત ફેલાવી છે કે લોકો પોતાના સ્વજનના અસ્થી લેવા માટે પણ કોવિડ સ્મશાનમાં નથી જતા. ભરૂચ જીલ્લામાં 75 ટકા લોકો પોતાના સ્વજનના અસ્થી લેવા નથી આવ્યા. આવા મૃતકોના અસ્થિને કોવિડ સ્મશાનના સંચાલક, તથા સ્વયંસેવકો જાતે જ દૂધ અને પાણીથી ધોઈ અને તેનું પવિત્ર નર્મદા નદીમાં વિસર્જન કરે છે અને મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.