ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં ડેમમાંથી નર્મદા નદીમાં 2 લાખ કયૂસેક સુધી પાણી છોડવા કવાયત ચાલી રહી છે. ત્યારે ડેમના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધવાની સંભાવના છે. જેના પગલે તંત્ર એલર્ટ પર આવી ગયું છે.
તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા 30 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તો આ તરફ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી કિનારે ઝૂંપડપટ્ટીમાં રહેતાં 50 જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
આ લોકોને નજીકના સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. હાલ નર્મદા નદીની જળ સપાટી 14 ફૂટ છે જ્યારે નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે. હાલ ચિંતાની કોઈ પરિસ્થિતિ નથી. જો કે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે અને સંભવિત પૂરની પરિસ્થિતિ સામે કામગીરી કરવામાં આવી રહી છે.