ભરૂચ: સિવિલ હોસ્પિટલ કોઇને કોઇ કારણોસર વિવાદમાં રહે છે, ત્યારે સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. અંકલેશ્વર પંચાતી બજારમાં રહેતા સંદિપ વસાવા તેના સ્વજનની તબિયત બગડતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવ્યા હતાં, જ્યાં તેમને કોરોના શંકાસ્પદના વોર્ડમાં દાખલ કર્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. જેના પગલે સંદિપે મૃતકના મૃતદેહને લઇ જવા માટે સરકારી એમ્બ્યુલન્સની માગ કરી હતી. જોકે, તેને એમ્બ્યુલન્સ મળી ન હતી. સંદિપે સિવિલ હોસ્પિટલમાં અડિંગો જમાવીને બેસેલા ખાનગી એમ્બ્યુલન્સવાળાને વિનંતી કરવા છતાં કોઈ તૈયાર થયું નહતું. આખરે સંદિપ વસાવાને મૃતકના મૃતદેહને રીક્ષામા લઇ જવાની ફરજ પડી હતી.
આ સમગ્ર મામલે વિવાદ વકરતા સિવિલ પ્રશાસન દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલનાં RMO ડૉ.એસ.આર.પટેલે જણાવ્યું હતું કે, દર્દીનું મૃત્યુ થયું તે સમયે સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પેસન્ટને મૂકવા વડોદરા ગઈ હતી. પરિવારજનોને થોડી રાહ જોવા કહેવાયું હતું, પરંતુ તેઓ ઉતાવળે જ મૃતદેહને રિક્ષામાં લઇ જતા રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ખાનગીકરણ બાદ પણ અનેક લાપરવાહી સામે આવી રહી છે. મૃતદેહને ત્રણથી ચાર કલાક રઝળાવ્યા બાદ રિક્ષામાં લઇ જવો પડે તે શરમજનક બાબત કહી શકાય.