ભરૂચઃ અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં સમશાન ગૃહને લઇ કોરોનાગ્રસ્ત મૃતક દર્દીની અંતિમ વિધિ કરવા માટે વિવાદ સર્જાયો હતો. અંકલેશ્વર બાદ ભરૂચના દશાશ્વમેઘ ઘાટના સ્મશાન ગૃહ પર સ્થાનિકોએ 4 કલાક સુધી વિરોધ પ્રદર્શિત કરીને મૃતકના અંતિમ સંસ્કાર થવા દીધા ન હતા. આખરે પોલીસે થોડી કડકાઈ વાપરતા 24 કલાક બાદ નર્મદા નદી કિનારે ખુલ્લી જગ્યામાં મૃતકની અંતિમક્રિયા શક્ય બની શકી હતી.
કોરોનાના કહેર વચ્ચે ભરૂચમાં નવો વિવાદ જોવા મળ્યો હતો. જેમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીએ અંતિમ સંસ્કાર માટે 24 કલાક સુધી રાહ જોવી પડી હતી. ભરૂચના નદેલાવ વિસ્તારમાં રહેતા નિવૃત્ત PSIનું ગત રોજ બપોરે 2 કલાકે અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાં કોરોનાના કારણે મોત નીપજ્યું હતું. આ બાદ મૃતકની અંતિમક્રિયા માટેનો પ્રશ્ન ઉભો થયો હતો. હોસ્પિટલ સત્તાધીશોએ મૃતદેહ પરિવારજનોને સોપતા પરિવારજનો અંતિમક્રિયા માટે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ખાતે પહોંચ્યા હતા. જો કે, સ્થાનિકોએ કોરોના સંક્રમણના ડરને કારણે સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા દીધો ન હતો. જે કારણે મૃતકના પરિવારજનોને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની ફરજ પડી હતી.
શનિવાર સવારે તંત્ર અને પોલીસે ભરૂચના દશાશ્વમેઘ ઘાટના સમશાન ખાતે પહોંચી વિરોધ કરી રહેલા લોકોને સમજાવવા પ્રયાસ કર્યા હતા. જો કે, રહેણાંક વિસ્તારમાં સ્મશાનગૃહ આવેલું હોવાથી ચિંતાના ધુમાડાના કારણે કોરોના સંક્રમણ ફેલાવવાના ડરે સ્થાનિકો એકના બે થયા ન હતા. સ્થાનિકોએ માગ કરી હતી કે, તંત્ર દ્વારા સ્પેશિયલ કોવીડ હોસ્પિટલ બનાવવામાં આવે છે, તો કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર માટે ખુલ્લી જગ્યામાં સ્મશાન બનાવવું જોઈએ. બીજી તરફ મૃતકના પુત્રએ આક્ષેપ કર્યા હતા કે, છેલ્લા 24 કલાકથી પિતાની અંતિમક્રિયા માટે ભટકવા છતાં તેમને જગ્યા મળી રહી નથી.
તમામ વિવાદ બાદ તંત્રના અધિકારીઓએ મૃતદેહની અંતિમક્રિયા નર્મદા નદી કિનારે ખુલ્લી જગ્યામાં કરવાનું નક્કી કર્યું હતું. જો કે, એમાં પણ સ્થાનિકોએ વિરોધ નોંધાવી તંત્રની કામગીરી અટકાવતા અધિકારીઓ પણ વિમાસણમાં મુકાયા હતા. ભરૂચ સીટી મામલતદાર, PI સહિતના પોલીસ અધિકારીઓએ લોકોને સમજવવા પ્રયત્નો કર્યા હતા. જો કે, તે વ્યર્થ નીવડ્યા હતા.
ભરૂચ Dy. SP ડી. પી. વાઘેલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે આવી લોકોને કડક સુચના આપતા આખરે 24 કલાક બાદ મૃતદેહની અંતિમક્રિયા શક્ય બની શકી હતી. નર્મદા નદી કિનારે ખુલ્લી જગ્યામાં નિવૃત્ત પોલીસકર્મીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તો આ સાથે જ અન્ય એક કોરોનાગ્રસ્ત મૃતકના પણ અંતિમ સંસ્કાર કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં કોરોનાગ્રસ્ત દર્દીના મોત બાદ તેના અંતિમ સંસ્કાર માટે દર વખતે આ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે, ત્યારે મૃતદેહની અંતિમક્રિયા માટે પણ 24 કલાક સુધી રાહ જોવી પડે છે અને મોતનો પણ મલાજો નથી જળવાતો. સ્થાનિકોએ પણ માનવતા દાખવી તંત્રને સહયોગ આપવો એટલો જ જરૂરી છે, તો આ સાથે જ તંત્ર દ્વારા પણ આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે એ જરૂરી છે.
આણંદમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિમાં હોબાળો, પથ્થરમારામાં બે પોલીસ જવાનો અને પત્રકારો ઘવાયા
આણંદના વિદ્યાનગર ખાતે આવેલા હરિઓમનગર સ્મશાનગૃહમાં 2 દિવસ પહેલા મરણ પામેલા કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમ વિધિ કરવા જતાં કર્મચારીઓને અટકાવી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ તેમજ વહીવટીતંત્ર દ્વારા સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો હતો, આ દરમિયાન અચાનક વિફરેલા ટોળાએ પોલીસ તેમજ વહીવટી તંત્ર અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં બે પોલીસ જવાનોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.
કોરોના કહેરઃ 30થી 40 જેટલા મૃતદેહની રોજ થાય છે અંતિમ વિધી, 3 મહિનાથી એકતા ટ્રસ્ટ ખડેપગે
સુરત : કોરોનાના પ્રથમ કેસથી સુરતમાં કોરોના દર્દીઓના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા સુરતના એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. જેને આશરે સાડા ત્રણ મહિના થઈ ગયા છે. પરંતુ સતત વધી રહેલા કેસ વચ્ચે હાલ કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ 30થી 40 જેટલા મૃતદેહના રોજે-રોજ અંતિમ સંસ્કાર અથવા અંતિમવિધિ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. આ ટ્રસ્ટના સંચાલકે ETV Bharatને જણાવ્યું છે કે, અંતિમ ક્રિયા કરતા કરતા તેઓ થાકી ગયા છે. સાડા ત્રણ મહિનાથી તેઓ સ્મશાનમાં જ સુવા માટે મજબૂર થઇ ગયા છે. તેઓએ ETV Bharatના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે, લોકો આ ટ્રસ્ટમાં સામેલ થઈ ભગીરથ કાર્ય કરે.