રક્ષાબંધનના તહેવારની બહેનો ઉત્કંઠાપૂર્વક રાહ જુએ છે. ઉત્સાહથી રાખડીઓ ખરીદે છે. ભાઈ પાસે રક્ષણનું વચન માગે છે. જે સમયે બહેનના મનમાં ભાઈને સુંદર રક્ષાપોટલી બાંધવાના સપનાં આકાર પામતા હશે બરાબર એ જ સમયે ભાઈના મનમાં બહેનનું કાસળ કાઢવાનુ કાવતરુ રચાતુ હતું. માત્ર વહેમના કારણે એક યુવતીને તેના ભાઈ તરફથી રક્ષા તો ન જ મળી ઉલ્ટાનું ભાઈના ગુસ્સાનો શિકાર બનવું પડ્યુ. ગુસ્સો એટલી હદે કે, ભાઈએ તેની જ સગી બહેનને મોતને ઘાટ ઉતારી દીધી.
આ ઘટનાની હકીકત એવી છે કે, થોડા દિવસ પહેલા ઝઘડિયા તાલુકાના દધેડા ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડિયા પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ બનાવની તલસ્પર્શી તપાસ શરુ કરી હતી પોલીસ તપાસમાં મૃતદેહ પાસે પોલીસને મોબાઈલ મળી આવ્યો હતો. આ મોબાઈલથી પોલીસની તપાસને દીશા મળી અને પોલીસ હત્યારા સુધી પહોંચી શકી. કોલ ડીટેઈલના આધારે પોલીસે પહેલા મરનારની ઓળખ કરી. પોલીસ તપાસમાં ખુલ્યુ કે જે યુવતીની હત્યા થઈ તેનું નામ મોની પાલ હતુ અને તે ઉત્તરપ્રદેશના સુલતાનપૂર જિલ્લાની હતી. થોડા દિવસ અગાઉ તે સુરતના કીમમાં રહેતા તેના ભાઈ રાજન પાલના ઘરે આવી હતી.
પોલીસે જ્યારે રાજન પાલની પુછપરછ શરુ કરી તો તે ઉલટ સવાલો સામે તુટી પડ્યો. તેણે કબુલાત કરી કે તેની બહેનની હત્યારો તે જ છે. પોલીસ સમક્ષ હત્યાનું કારણ એ આપ્યુ કે, તેની બહેનનું ચરિત્ર ખરાબ હતું. ઉત્તરપ્રદેશથી આવ્યા પછી પણ તેણે ચારિત્ર્ય સામે સવાલ ઉઠે એવી પ્રવૃતિ ચાલુ રાખી હતી. જેથી તેણે 20 જુલાઈના રોજ બેહનને કીમથી બાઈક પર બેસાડી ઝઘડિયાના દધેડા ગામ નજીક અવાવરુ જગ્યાએ લાવ્યો હતો. બહેન કંઈ પણ સમજે એ પહેલા તેણે ગળા ઉપર ઉપરા-છાપરી ચપ્પુના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બહેનના મૃતદેહને ફેંકી દઈ ફરાર થઈ ગયો હતો. આ આખી વાત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે તેની ધરપકડ કરી છે. હત્યામાં વાપરેલા હથિયારો કબ્જે કરવાની તજવીજ આરંભી છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વ પૂર્વે બનેલા આ સનસનીખેજ બનાવથી લોકોમાં અરેરાટી સર્જાય છે. કેમ કે, આ માત્ર એક યુવતીની હત્યા નહીં પણ રાજન પાલે ભાઈ અને બહેનનાં સંબધની પણ હત્યા કરી છે.