ભરૂચ: દહેજ ઔદ્યોગિક વસાહત (Industrial Estate Dahej) સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ (Blast In Dahej Bharuch) થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દહેજ સ્થિત ઓમ ઓર્ગેનિક્સ (Om Organics Dahej Bharuch)માં મોડી રાત્રે 2 વાગે પ્લાન્ટમાં અચાનક કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે, પ્લાન્ટમાં આસપાસ કામ કરતા કામદારો દૂર સુધી ફંગોળાઈ ગયા હતા.
દૂર સુધી દેખાતા હતા આ વિકરાળ આગના ગોટા- ગત મોડી રાતે ભરૂચના દહેજમાં આવેલી API અને ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ કાટી નીકળી હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા (Chemical process in company dahej) ચાલી રહી હતી તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવને પગલે ફાયરબ્રિગેડના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો: Blast in Bharuch Company: દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં અડધી રાત્રે થયો બ્લાસ્ટ, 5 કામદારોના મોત
કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ- જો કે, આગ એટલી વિકરાળ હતી કે, 6 લોકોના દાઝી જવાથી મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ (Department of Health Bharuch) તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે
કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા મૃતકો- પારસનાથ યાદવ જેમની ઉંમર આશરે 55 વર્ષ છે. તેઓ ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં છેલ્લા 2 વર્ષથી કંપનીના એમ્પ્લોઈ તરીકે પ્લાન્ટ ઓપરેટર તરીકેની નોકરી કરતા હતા. જેઓ મૂળ યુપીના હતા અને હાલ દહેજ ખાતે રેહતા હતા. રામુભાઇ વસાવા જેમની ઉંમર આશરે 45 વર્ષ છે. રામુભાઇ વસાવા ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં છેલ્લા 1 વર્ષથી કંપનીના કોન્ટ્રાક્ટ હેલ્પર તરીકે નોકરી કરતા હતા અને તેઓ 2 દિવસ અગાઉ જ પોતાના ગામ સાગબારાથી દહેજ ખાતે કંપનીમાં નોકરી અર્થે પરત આવ્યા હતા અને કંપનીના બ્લાસ્ટમાં મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: દહેજની યશસ્વી કંપની બ્લાસ્ટ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપાયા
મધ્યપ્રદેશના યુવાનનું મોત- જયદીપભાઈ બામારોલિયા જેમની ઉંમર આશરે 35 વર્ષ છે. જયદીપ ભાઈ બામારોલિયા ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં કંપની એમ્પ્લોઈ હતા અને લેબ ટેકનિશિયનની પોસ્ટ પર નોકરી કરતા હતા. તેઓ મૂળ જૂનાગઢ હતા અને હાલ વાગરા ખાતે રહેતા હતા અને આ બ્લાસ્ટમાં તેમનું મોત નિપજ્યું હતું. તીરથ ગદારી તેમની ઉંમર આશરે 22 વર્ષ છે. તીરથ ગદારી મૂળ મધ્યપ્રદેશના કટનીનો રહેવાસી હતો. આ યુવાન નોકરી અર્થે દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ હેલ્પર તરીકે નોકરી કરતો હતો. આ બ્લાસ્ટ દરમિયાન આ યુવાન આગમાં બળીને ભડથું થઈ ગયો છે.
2 મહિના પહેલા કંપનીમાં નોકરી કરવા લાગ્યા હતા- આ ઉપરાંત પુનિત મહાતો જેમની ઉંમર આશરે 57 વર્ષ છે. પુનિત મહાતો મૂળ ઝારખંડના પલામુના રહેવાસી હતા. જેઓ દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં હેલ્પર તરીકે 2 મહિનાથી નોકરી કરતા હતા અને આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે. રતન કુશવાહા જેમની ઉંમર 32 વર્ષ છે. રતનભાઈ કુશવાહા મૂળ યુપીના પ્રયાગ રાજના રહેવાસી હતા. છેલ્લા 8 મહિનાથી દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિકસ કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરતા હતા અને આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે.
આગની ઘટનાઓ અને મોત- આ પહેલા પણ ગુજરાતમાં અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની છે અને આ ઘટનામાં પણ નિર્દોષ લોકોના મોત થયા છે. 17 ડિસેમ્બર 2021ના ભરૂચના ઘોઘંબામાં બ્લાસ્ટ થયો હતો. ગુજરાત ફ્લોરો કેમિકલ કો.માં થયેલા આ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા. 10 કિમી સુધી ધ્રુજારી અનુભવાઈ હતી. 22 ડિસેમ્બર 2020ના વડોદરાના કાલોલની ONGCમાં ધડાકો થયો હતો, જેમાં 2 લોકોના મોત થયા હતા અને 3 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 2 બિલ્ડિંગો ધરાશાયી થઈ હતી. 11 ડિસેમ્બર 2019ના રોજ વડોદરાના વાઘોડિયામાં GIDCમાં આવેલી Plastic And Foam mfg coમાં આગ લાગી હતી. 35 મિનિટની અંદર આગ કાબૂમાં કરવામાં આવી હતી. જો કે કોઈ જાનહાનિ થઈ નહોતી.
ભરૂચના દહેજમાં 3 જૂન 2020માં પણ લાગી હતી આગ- સુરતની જગડિયા GIDCમાં 21 ઑક્ટોબર 2020ના રોજ એચ.કે. ફેબ્રિકેશનમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તો 28 ફેબ્રુઆરી 2020ના રોજ સુરતની પાંડેસરા GIDCમાં Aceto Chem Pvt Ltdમાં લાગેલી આગમાં 2 લોકોના મોત થયા હતા અને 2 લોકો ઘાયલ થયા હતા. ભરૂચના દહેજમાં 3 જૂન 2020ના યશસ્વી રસાયણ Pvt.ltdમાં લાગેલી આગમાં 8 લોકોના મોત થયા હતા અને 52 લોકો દાઝ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી GIDCમાં જિંદલ વર્લ્ડવાઇડ લિમિટેડ (Textile processing factory)માં લાગેલી આગમાં 1નું મોત થયું હતું અને 9 લોકો ઘવાયા હતા.
સુરતમાં મેઘમણી ઑર્ગેનિક્સ પેસ્ટિસાઇડ પ્લાન્ટમાં આગ- કચ્છના કંડલામાં 31 ડિસેમ્બર 2019માં લિક્વિડ કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં આગ લાગી હતી. આ ઘટનામાં 4 લોકોના કરૂણ મોત થયા હતા. સમય રહેતા આગ કાબૂમાં કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. તો દહેજમાં મેઘમણી ઑર્ગેનિક્સ પેસ્ટિસાઇડ પ્લાન્ટમાં 27 માર્ચ 2019ના રોજ લાગેલી આગમાં 2 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા.