ભરૂચ: ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર દહેજ સેઝ-2માં આવેલા યશસ્વી રસાયણ કંપનીમાં રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન બોઈલરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેના પગલે નાસભાગ મચી જવા પામી હતી. બ્લાસ્ટનાં કારણે દુર-દુર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે ચઢી રહ્યા હતા. તો બ્લાસ્ટની તીવ્રતાનાં કારણે આસપાસની કંપનીના બારી બારણાના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
જ્યારે બનાવની જાણ થતાંની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો કર્યા હતા. પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી, અને તપાસ શરુ કરી હતી.
આ ઘટનામાં કોઇ મોટી જાનહાનીની શક્યતા નકારી શકાતી નથી. તો બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિને સારવાર માટે લઇ જવામાં વિલંબ કરાયો હોવાનો પણ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયો છે, જેમાં તે વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત નજરે પડી રહ્યો છે.