ભરૂચઃ જિલ્લાની બોર્ડર પર બુલેટ ટ્રેન પ્રોજેકટ સંદર્ભે ખેડૂતો આકરા પાણી જોવા મળ્યા. બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરી પગલે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આજે ખેડૂતો કામગીરી સ્થળે ધસી આવ્યા હતાં. યોગ્ય વળતર ન મળતા ખેડૂતોએ કોર્ટમાં કેસ કર્યો છે. પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ કરી રહેલી એજન્સી દ્વારા પોલીસને આગળ કરી બળ જળજબરી પૂર્વક કામગીરી ચાલુ રાખી હતી.
અમને સમાન વળતર મળવું જોઈએ, અમારો બુલેટ ટ્રેન સામે વાંધો નથી. જમીન સંપાદનમાં ઓછું વળતર આપ્યું તેનો વાંધો છે...રણજીતસિંહ ભાદીગર (ખેડૂત, ઉટિયાદરા)
એજન્સી પોલીસને સાથે રાખીને ધમકી આપે છે કે ખેતરમાં પગ મૂક્યો તો તમને ડીટેન કરવામાં આવશે...દેવેન્દ્રસિંહ સોલંકી(ખેડૂત, તરસાડી)
ખેડૂતો પોલીસ વચ્ચે ઘર્ષણઃ સુરત અને ભરૂચ જિલ્લાની સરહદ પર આવેલ ભરૂચ જિલ્લાના ઉટીયાદરા ગામની સીમમાં ખેડૂતોનો રોષ સામે આવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સ્થળ પહોંચે તે પહેલાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ખેડૂતોને અટકાવ્યા હતા.
ખેડૂતોના વિરોધના પગલે પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો.અને વિરોધ કરી રહેલા 9 જેટલા ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા હતા.અને બાદમાં તેઓને પાનોલી પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા અને નિવેદન લેવામાં આવ્યા હતા...એમ.એચ. વાઢેર(પીએસઆઈ, પાનોલી પોલીસ સ્ટેશન)
પોલીસે કાર્યવાહી કરીઃ ભરૂચ જિલ્લાના ઉટીયાદરા ગામની સીમમાં જમીન ધરાવતા ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે અન્ય વિસ્તારના ખેડૂતો કરતા તેઓને વળતર સરકાર દ્વારા ઓછું આપવામાં આવી રહ્યું છે. જો સરકાર તેઓને પૂરતું વળતર નહિ આપે તો તેઓ આત્મવિલોપન કરશે તેવી પણ ચમમકી ઉચ્ચારી હતી. ખેડૂતોનો વિરોધ ઉગ્ર બનતા હાજર પોલીસ સ્ટાફ દ્વારા તમામ ખેડૂતોને ડીટેન કરવામાં આવ્યા હતા. પોલીસ વાહનમાં બેસાડી ભરૂચના પાનોલી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા.ત્યારે વિરોધ કરી રહેલ એક ખેડૂત પાસેથી ઝેરી દવા પણ મળી આવી હતી જે દવા પોલીસે છીનવી લીધી હતી.હાલ તો પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા તમામ ખેડૂતો ના નિવેદન લેવાની કામગીરી હાથ ધરી હતી.