ભરુચ : જંબુસરમાં સારોદ પીઆઈ કંપનીમાં બ્રોમીન કેમિકલ લીક થતાં આકાશમાં કેમિકલના ગોટા ઉડતાં જોવા મળ્યાં હતાં. બ્રોમીન સ્ટોરેજ ટેન્કમાંથી સતત પાંચ મિનિટ સુધી કેમિકલ લીકેજ થયું હતું. જેના પગલે કામદારો પર અસર થઇ હતી. જોકે બાદમાં સ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ હતી. બપોરના સુમારે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન બ્રોમીન ગેસ સ્ટોરેજ ટેન્કમાંથી ગેસ વછૂટતા આસમાનમાં કેસરિયો રંગ કિલોમીટર દૂર સુધી જોવા મળ્યો હતો.
30 કામદારો ઇજાગ્રસ્ત : બ્રોમીન કેમિકલ લીકથી શ્વાસમાં તકલીફ અનુભવતાં 15 જેટલા કર્મચારીઓને જંબુસરના રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ તેઓને વધુ સારવાર માટે બરોડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. બ્રોમીન ગેસ ગળતરની ઘટનાને લઇ પ્લાન્ટમાંથી પીળા રંગના ધુમાડા વછૂટતાં કામદારો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યાં હતાં.
જંબુસરના સારોદ સ્થિત પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ વછૂટવાની ઘટના અંગે કંપની તરફથી કોલ આવ્યો હતો. જે બાબતે જીપીસીપીની ટીમને તાત્કાલિક તપાસ અર્થે રવાના કરવામાં આવી છે. જોકે કંપનીમાં ગેસ વછૂટવાની ઘટનામાં કોઈક જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. આ અંગે ટીમની સ્થળ તપાસ અને વિગતવાર રીપોર્ટ બાદ જ વધુ વિગતો સપાટી પર આવશે... માર્ગી પટેલ (ભરૂચ જીપીસીબી અધિકારી)
જીપીસીબી ટીમ દોડી ગઇ : 15 કામદારોને ગેસની અસરના પગલે જંબુસરમાં પ્રાથમિક સારવાર અપાયાં બાદ વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવા તજવીજ હાથ ધરાઈ હતી. પીઆઈ કંપનીએ તાત્કાલિક જીપીસીબીને જાણ કરતા ટીમ સ્થળ પર ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગેસ ગળતર પણ મિનિટોની અંદર કંટ્રોલમાં લઇ લેવાતાં મોટી હોનારત ટળી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે આ બાબતે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
કેમિકલના વાદળો છવાયાં : જંબુસરના સારોદ ગામે આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ જંતુનાશક દવાનું ઉત્પાદન કરતી કંપની છે. કંપનીમાં આજે બપોરના સુમારે એકાએક કંપનીના બ્રોમીન ગેસ સ્ટોરેજ ટેન્કમાંથી ગેસ વછૂટવાની ઘટના બની હતી. જોતજોતામાં ગેસ વછૂટતા કિલોમીટર દૂર સુધી વાદળોમાં કેસરિયો રંગ છવાયો હતો. ઘટના બાબતની જાણ જીપીસીબી ,ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસને થતા તાત્કાલિક સંબંધિત વિભાગોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લીકેજને કંટ્રોલમાં લેવા કોસ્ટિક સોડાનો મારો ચલાવવા કાર્યવાહી કંપની દ્વારા હાથ ધરાઈ હતી.
3 કામદારને ગંભીર અસર : પ્રાથમિક વિગતો મુજબ 3 જેટલા કામદારોને ગેસની ગંભીર અસર થતા તેમને વડોદરા વધુ સારવાર માટે રીફર કરાયા છે. જંબુસર પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી કામદારોના નિવેદનો લેવાની તજવીજ આરંભી છે. તો જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી પણ કામદારોની મુલાકાતે જંબુસર એપ્રિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં.