ભરૂચ: નગર સેવા સદન દ્વારા 22 ફેબ્રુઆરીથી અઢી દિવસ માટે પાણી કાપ આપવામાં આવ્યો છે. કારણ કે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મેઈન લાઈનમાં પાઈપ લાઈનમાં ફલો મીટર ઇન્સ્ટોલનું કામ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેના પગલે તંત્ર પાણી પર કાપ મૂકાયો છે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા શનિવારથી અઢી દિવસ માટે શહેરમાં પાણી કાપ આપવામાં આવ્યો છે. તારીખ 22 અને 23 ફેબ્રુઆરીનાં રોજ નગર પાલિકા દ્વારા અપાતો બંને સમયનો પાણી પૂરવઠો બંધ રહેશે, તો 24 ફેબ્રુઆરીનાં રોજ સવારના સમયે અપાતો પાણી પૂરવઠો બંધ રહેશે. નગર સેવા સદન દ્વારા અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મેઈન લાઈનના પાંચબત્તી સંપ સાથે જોડાણ અને માતરીયા ઈન્ટેકવેલ પાઈપ લાઈનમાં ફલો મીટર ઇન્સ્ટોલનું કામ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
આ કામગીરી ગત રાતથી જ શરુ કરી દેવામાં આવી છે. આજરોજ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલા અને અધિકારીઓએ કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. પાણી કાપના પગલે ભરૂચ શહેરના 1 લાખ લોકોને અસર થશે અને પાણી વગર વલખા મારવાનો વારો આવશે. ત્યારે ગૃહિણીઓ વહેલી તકે કામગીરી પૂર્ણ કરી નગર પાલિકા રાબેતા મુજબ પાણી આપે એવી માગ કરી રહી છે.