ભરૂચ : ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મચારી પર જ શંકાના આધારે અટક કરાયેલા આરોપીએ પાઇપ વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ અયોધ્યાનગરમાં હુમલો કરનાર વ્યક્તિની હલચલ શંકાસ્પદ જણાતા પોલીસ મથકે સ્થાનિકોએ આ બાબતે તપાસ કરવા ફરિયાદ આપી હતી. ઇજાગ્રસ્ત પીએસઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
હિચકારો હુમલો : ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકમાં શંકાના આધારે અટક કરાયેલા ઈસમે એ.એસ.આઇ ઉપર જ હુમલો કર્યાનો કિસ્સો બન્યો છે. જીવલેણ હુમલામાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસકર્મીને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
શું હતો મામલો ? ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા અયોધ્યા નગરના એક મકાનમાં એક વ્યક્તિ એકલો રહેતો હતો. તેની હલચલ શંકાસ્પદ જણાતા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી તપાસ કરવા ફરિયાદ થઈ હતી. જોકે આ કોલને લઈ PCR વાન સ્થળ પર તપાસ માટે પહોંચી હતી. જ્યાં ઈસમની હલચલ શંકાસ્પદ જણાતા તેને તપાસ અર્થે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો.
ભરૂચ એ ડિવિઝન ડિવિઝન પોલીસ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિ જણાતા તેનું નામ પૂછતાં વિજય જણાવેલ. વિજય માનસિક અસ્વસ્થ જણાતા તેને એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. તેની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી રહી તે દરમિયાન નજીકમાં પડેલા લોખંડના હાથા વડે PSO ભીમસિંહ વસાવાના માથાના ભાગે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના આરોપીની વિજયની અટક કરીને તેના વિરુદ્ધમાં ઇપીકો કલમ 307 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.-- મયુર ચાવડા (SP, ભરૂચ જિલ્લા)
પોલીસકર્મી ઘાયલ : જોકે પોલીસ આગળની કાર્યવાહી કરે તે પહેલા જ આ ઈસમે પાઇપ વડે એ.એસ.આઇ ભીમસિંગ રામસિંગ પર હુમલો કર્યો હતો. પૂછતાછ દરમિયાન પોલીસ ચોકીમાં અગાઉ કબજે કરેલ હથિયારો પૈકી એક પાઇપથી પોલીસકર્મીના માથાના ભાગે હુમલો કર્યો હતો. જેના કારણે પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ મથકમાં ઉપસ્થિત સ્ટાફે ઇજાગ્રસ્ત એ.એસ.આઈ ભીમસિંગ રામસિંગને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
આરોપીની તપાસ : પોલીસકર્મીના માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઈજા પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે હુમલો કરનાર વ્યક્તિ કોણ છે તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. જોકે, પ્રથમ દ્રષ્ટિએ આ વ્યક્તિ અસ્થિર મગજનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બાબતે પોલીસની તપાસ બાદ જ વધુ વિગતો સામે આવી શકે છે.