- કોંગ્રેસે ઉમેદવારોને જાણ કરી ઉમેદવારી પત્રો ભરાવવાની રણનીતિ અપનાવી
- ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો રહ્યાં ઉપસ્થિત
- કોંગ્રેસના ઉમેદવારોએ મેન્ડેટ મળે તે પૂર્વે જ ભર્યા ફોર્મ
ભરૂચઃ રાજયમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. શનિવારના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હાવાથી ભરૂચ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારોએ ઉત્સાહ સાથે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોની હાજરીમાં ભરૂચ નગર સેવા સદન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ પ્રસંગે આગેવાનો અને ઉમેદવારોએ જીતના દાવા કર્યા હતાં.
કોરોના ગાઈડ લાઇનનો ભંગ
કોવિડ-19ની ગાઈડ લાઇન પ્રમાણે માત્ર ગણતરીના લોકોને જ ચૂંટણી અધિકારીની કેબિનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે કલેક્ટર કચેરીના પટાંગણમાં સોશિયલ ડિસ્ટન્સતો જળવાયું ના હતું ઉપરાંત ઘણા કાર્યકરોએ માસ્ક પણ પહેર્યા ન હતા.
વોર્ડ નંબર 07માં કોંગ્રેસનાં દિનેશ અડવાણી અને તેમની પેનલે ઉમેદવારી પત્રો ભર્યા
અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ નગર સેવક જહાંગીર પઠાણે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં પણ મેન્ડેટ મળે એ પૂર્વે જ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી દીધા હતા. વોર્ડ નંબર 07માં કોંગ્રેસનાં દિનેશ અડવાણી અને તેમની પેનલે ઉમેદવારી પત્રો ભર્યા હતા અને જીતના દાવા કર્યા હતા. કોંગ્રેસે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવાના સ્થાને જે તે ઉમેદવારોને જાણ કરી ઉમેદવારી પત્રો ભરાવવાની રણનીતિ અપનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.