ભરૂચઃ મહમદપુરા વિસ્તારમાં સમયની સાથે ટ્રાફિકનું ભારણ વધતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મોટા અને ભારદાર વાહનોના પરિવહનના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હતી. જેના પગેલ APMCના વહીવટી તંત્ર દ્વારા નેશનલ હાઈવે પર આવેલ વડદલામાં 26 એકર જેટલી વિશાળ જગ્યામાં નવી APMCના બિલ્ડીંગનું નિર્માણ કર્યું હતું. તાજેતરમાં કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન શોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે એ માટે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી APMCનું સ્થળાંતર વડદલા ખાતે કરવાનો નિર્ણય લેવાયો હતો, જે બાદ હવે APMC કાયમી ધોરણે વડદલા ખાતે જ કાર્યરત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
શનિવારના રોજ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં APMCના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે વડદલા ખાતે 26 એકર જમીનને સમતળ બનાવવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત પાકા રસ્તા અને પાર્કિંગની પણ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. વડદલા APMCમાં નાના વેપારીઓ પાસે ડીપોઝિટ લઇ ભાડા પદ્ધતિથી વેપારીઓને દુકાન આપવામાં આવશે દુકાનોમાં વીજળી તેમજ પાણીની પણ સુવિધા ઉભી કરવામાં આવશે.
મહમદપુરા ખાતે શાક માર્કેટ કાર્યરત રહેશે APMC કાયમી ધોરણે વડદલા ખાતે કાર્યરત કરતા ભરૂચ જિલ્લાના ખેત ઉત્પાદનોના વેપારીઓ, ખેડૂતો અને ગ્રાહકો માટે આ નિર્ણય આશીર્વાદરૂપ બની રહેશે એવો આશાવાદ APMCના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ વ્યક્ત કર્યો હતો.