ભરુચ : ગત રવિવારે બનેલી ઘટનામાં વાગરા તાલુકાના ચાંચવેલ ગામ પાસે કચ્છીપુરાના પશુપાલકોના 25થી વધુ ઊંટ મૃત્યુ પામ્યાં હતાં. આ ઊંટોએ કેમિકલયુક્ત પાણી પીધું હતું અને પાણીમાં આળોટ્યાં હતાં. એકસામટાં 25 ઊંટ મોતને ભેટતાં એક પશુપાલકને લાખોનું નુકશાન થયું છે. ચાંચવેલ ગામ પાસે પડતર ભાઠાવાડી જમીનમાં આ ઘટના બની હતી. જાટ જાતિના લોકો ચાંચવેલના ભાઠા વિસ્તારમાં રહી પશુપાલન કરે છે.
25 ઊંટના મોત : અનુુસાર છોકરાઓ આ વિસ્તારમાં ઊંટ લઈને આવ્યા હતાં ત્યારે નજીકમાં આવેલી એક કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતા આવું થયું છે. રવિવારે રાત સુધીમાં એક પછી એક એમ ટપોટપ 25 ઊંટ મૃત્યુ પામ્યા હતાં. કચ્છીપુરાના ચાંચવેલથી આ વિસ્તાર જે રણ વિસ્તાર કહેવાય છે એ પાંચ કિમીના અંતરે આવેલો છે. ઓએનજીસીના વેલની લાઈન હોવાને કારણે કેમિકલયુક્ત પાણી બહાર આવ્યું હતું. પશુપાલન અધિકારીની તપાસમાં પણ જણાયું હતું કે ઓએનજીસી પાઇપલાઇનમાંથી ઓઇલ લિક થઇ રહ્યું હતું જે ખાડાઓના પાણીમાં ભલ્યું હતું. મૃત ઊંટોના શરીર પર પણ ઓઇલ જોવા મળ્યું હતું.
ઓએનજીસીની પાઈપલાઈનમાંથી તેલ નીકળતા ખાડાઓ ભરાયા હતા, આ વિસ્તારમાંથી ઊંટના પગલાં મળી આવ્યા છે. જે ઊંટ છે એના શરીર પર ઓઈલ ચોંટેલું છે. ગરમીથી બચવા માટે ઊંટ આ ખાડામાં આળોટ્યા હશે. --- ડૉ.આર. એલ. વસાવા (જિલ્લા પશુપાલન અધિકારી)
જીપીસીબીની ભૂમિકા પર સવાલ : આ ઘટનામાં સવાલ એ ઊઠ્યો છે કે જીપીસીબી તંત્રના નીતિનિયમોને નેવે મૂકી દરિયાઈ વિસ્તાર તેમજ આસપાસમાં પસાર થતી કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડી દેવાય છે. તો શું આની જાણકારી તંત્રને આ ઘટના બાદ જ મળી હશે? પશુપાલકો દ્વારા જિલ્લા તંત્રને રજૂઆત બાદ જીપીસીબી જાગ્યું છે અને ચાંચવેલમાં સ્થળ પર જઇ તપાસ શરુ કરી હતી.
પૈસા આપી પાણી ખરીદવું પડે છે કચ્છીપુરાના માલધારીઓની અપરંપાર સમસ્યાઓ પણ સામે આવી છે. વાગરાના કચ્છીપુરામાં માલધારીઓ 105 વર્ષથી વસવાટ કરતા હોવાનું જણાવાય છે. 25 ઊંટોના મોત બાદ ભરૂચ કલેકટર કચેરીએ રજૂઆતો કરવામાં આવી તેમાં તેમના અન્ય પ્રશ્નો પણ શામેલ છે. પશુઓને પીવાના પાણીની સમસ્યા હતી ત્યારે આ પ્રકારની ઘટના સર્જાઇ છે તો તેઓના સમુદાયને પણ પીવાનું શુદ્ધ પાણી નસીબ ન થતું હોવાની ફરિયાદ પણ તંત્ર સમક્ષ કરી છે. ઊંટ, ભેંસો અને ગાયો રાખી પશુપાલન પર નિર્ભર રહેતાં માલધારીઓએ પાણી માટે ચાંચવેલ અને મુલેર જઈને પૈસા આપીને પાણી ખરીદવું પડે છે.
125 કુટુંબોની વિકટ પરિસ્થિતિ ચાંચવેલ ગામ નજીકના માલધારીઓના પડાવ કચ્છીપુરામાં 125 કુટુંબો રહે છે. ઊંટ, ભેંસ અને ગાયોના પશુપાલન અને દૂધ વેચી પોતાનો નિર્વાહ કરે છે. ત્યારે ટેન્કરો મારફતે પીવાનું પાણી અપાતું હોવાનું માલધારી કુટુંબો કહી રહ્યાં છે. ઉનાળાની આકરી ગરમીમાં 2 મહિનાથી ટેન્કરો પણ બંધ છે જેના કારણે પાંચ કિલોમીટર દૂર ચાંચવેલ અને મુલેર ગામમાં જઇને પાણી વેચાતું લેવું પડે છે.
આજરોજ અમે ખાસ પીવાના પાણી સમસ્યાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારા કચ્છીપુરા ગામમાં પીવાના પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર છે. અમે ધારાસભ્ય, જિલ્લા પંચાયત જેવી જગ્યાએ પીવાના પાણી માટે રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી નથી. બે મહિના પહેલા ટેન્કરથી પાણી આવતું હતું, પરંતુ ટેન્કર પણ બંધ થઈ ગયું છે. અમારે અમારા પરિવાર સાથે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા રહીએ છીએ અને અમારા નાના બાળકો વૃદ્ધો અને પશુઓને પીવાના પાણીની પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી કલેક્ટરને રજૂઆત કરી છે. અમારી રજૂઆતમાં 25થી વધુ ઊંટના મૃત્યુ થયા છે તેમાં કલેક્ટર દ્વારા વળતર અને પીવાના પાણીનો જે પ્રશ્ન છે તે વહેલામાં વહેલી તકે હલ કરે તે જણાવ્યું હતું. જો અમારી માગ સ્વીકાર નહીં કરાયં તો આવનારા સમયમાં પશુધન સાથે અમારા પરિવારો સાથે કલેકટર ઓફિસમાં ધામા નાખીશું...રહેમાનભાઈ (પશુપાલક, કચ્છીપુરા)
પશુધન સાથે કલેકટર કચેરીમાં પડાવ નાખશે : 25 ઊંટના મરણની ઘટના બાદ માલધારી કુટુંબો કલેકટર કચેરીએ દોડી આવ્યાં હતાં. તેમની રજૂઆત હતી કે ઓએનજીસી પાઇપ લીકેજ હોવાના કારણે તેના પાણીમાં તેમના ઊંટના મૃત્યુ થયા છે અને અન્ય કેટલાક બીમાર છે. આ કબીલાએ તેઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અને મોતને ઊેટેલા પશુધનનું વળતર આપવા માગણી કરી છે. જો પાણી અને પશુઓના મોતના વળતરનો મુદ્દો ઉકેલાશે નહીં તો તેઓ પશુધન સાથે કલેકટર કચેરીમાં પડાવ નાખશે.