ભરૂચ: અંકલેશ્વરના ભડકોદ્રા નજીક આવેલા આદિત્ય નગરમાં રહેતા અને ગેરેજ ધરાવતા અલ્કેશ સોલંકી ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોસંબા ગયા હતા. આ દરમિયાનન રાત્રીના સમયે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને 5 તોલા સોના-ચાંદીનાં દાગીના તેમજ 1 લાખ રોકડ રકમ મળી કુલ રૂપિયા 3 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે GIDC પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ચોરીની અન્ય ઘટના
વાપીમાં તસ્કર રાજ! બંધ ફ્લેટમાંથી 11 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર
વાપીના નૂતન નગરમાં આવેલી મુરલીધર સોસાયટીના A વિંગમાં ગત્ત રાત્રે તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ ફ્લેટના દરવાજાને બહારથી બંધ કરી ફ્લેટમાં પ્રવેશી કબાટમાં રહેલા સોનાના દાગીના, રોકડ દોઢ લાખ રૂપિયાની ચોરી કરી હતી. રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતા ચકચાર મચી છે. મકાન માલિક જયારે જગ્યા ત્યારે બહારનો દરવાજો બંધ હતો. ત્યાબાદ ઘરમાં તપાસ કરતા ફ્લેટમાં કબાટનો સામાન વેરવિખવર પડ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ મકાન માલિકે પોલીસને કરતા પોલીસે ડોગ સ્ક્વોડ સાથે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોરબંદરના સુતરવાડામાં ચોરીની ઘટના, તસ્કરો સીસીટીવી DVR પણ ચોરી ગયા
સુતારવાડા વિસ્તારમાં આવેલા પૂજન એન્ટરપ્રાઇઝમાં શુક્રવારે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. પૂજન એન્ટરપ્રાઇઝમાં અગાસી પરથી અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા અને બારીનો સળીયો તોડી દુકાનમાં પ્રવેશી 10,000 જેટલી રોકડ રકમ ચોરી ગયા હતા. તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા છે. પોલીસ દ્વારા આ ચોરોને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારિયાએ જણાવ્યું હતું કે ચોરીના આ બનાવોથી પોલીસને રાત્રી પેટ્રોલ વધારવાની રજૂઆત કરવામાં આવી છે.
જેતપુરમાં બે જગ્યાએ ચોરીની ઘટના, CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સાડીના કારખાનામાંથી ચોરી કરતો એક શખ્સ CCTVમાં કેદ થયો હતો. બીજી ઘટના જેતપુર શહેરમાં સ્ટેન્ડ ચોકમાં આવેલા રવિ ઇલેક્ટ્રોનિકસમાં બની હતી. ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ડિસ્પ્લેમાં રાખેલા હોમ થીએટરની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થયો હતો. બંને ઘટના CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
સુરતના ટકારમા ગામે ATMમાંથી 7 લાખથી વધુ રૂપિયાની ચોરી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટકારમા ગામે ચોરીની ઘટના બની હતી. મોડી રાત્રે એક વાગ્યાના સમયગાળામાં ત્રણ જેટલા તસ્કરોએ ડિસ્ટ્રીકટ બેન્કના એટીએમ તોડી કુલ 7,44,100 રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા. ત્રિકમ લઈને આવેલા આ ત્રણ ઇસમોએ પહેલા એટીએમને બહાર કાઢ્યું હતું, ત્યારબાદ તેને તોડી તેમાંથી કેશ પ્લેટો કાઢી દુર નહેર પર લઇ ગયા હતા. નેહર પર તેમને ત્રિકમથી કેશ પ્લેટ તોડી તેમાંથી રોકડ રકમ લઇ ફરાર થયા હતા. હાલ ચોરી કરવા આવેલા આ તસ્કરો એટીએમના સીસીટીવીમાં કેદ થયા છે. ચોરી થયેલા ઘટના સ્થળે ડીવાયએસપી,સુરત જિલ્લા એલસીબી અને એસઓજી તેમજ ડોગ સ્કવોડની ટીમે પહોંચી તપાસ હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે, આ એટીએમ મશીન પાસે કોઈ વોચમેન તૈનાત કરવામાં આવ્યો નથી. હાલ તો પોલીસ સીસીટીવી અને ફિંગરપ્રિન્ટના આધારે આગળ તપાસ હાથ ધરી રહી છે.