અંકલેશ્વરના અંદાડા સ્થિત તનિષ્ક રેસિડેન્સીના રહેવાસી પ્રીતિ ચૌહાણે એક ખાનગી કંપનીમાંથી ઓનલાઇન શોપિંગ કરીને પ્રિન્ટર મંગાવ્યું હતું. જે ગુણવત્તાની દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા તેમણે પરત કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પ્રીતિ રિટર્ન પ્રોસેસ અંગે અજાણ હતી. જેથી તેમણે વેબસાઈટ પરથી કસ્ટમરકેરનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. જેમાં ભોગ બનનાર યુવતીને ગૂગલ સર્ચ એન્જિનમાં 7546805624 નંબર કસ્ટમર કેરનો નંબર હોવાની માહિતી મળી હતી.
જ્યારે પ્રીતિએ નંબર પર ફોન કર્યો ત્યારે, ફોન રિસીવ કરનાર ફ્રોડે પ્રિન્ટર પરત લેવા અને રિફંડ આપવાની તૈયારી બતાવીને બેન્ક એકાઉન્ટ નંબર અને ટ્રાન્ઝેક્શનનો ઓટીપી માગ્યો હતો. ત્યારબાદ 3 ટ્રાન્ઝેક્શન દ્વારા યુવતીને 67 હજારનો ચૂનો લગાવી દીધો હતો.
પ્રીતિને છેતરપીંડી થયાનો ખ્યાલ આવ્યા બાદ તેમણે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સાઈબર સેલની મદદથી ફ્રોડ કરનાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.