ભરૂચ: કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને લઇ જવા માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ એમ્બ્યુલન્સમાં સ્વયંસેવકો પણ તૈનાત કરવામાં આવ્યા છે. જે કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કારની પ્રક્રિયા કરશે.
કોરોનાની મહામારી વચ્ચે ભરૂચમાં શંકાસ્પદ દર્દીના મૃતદેહને એમ્બ્યુલન્સનાં અભાવે રિક્ષામાં લઇ જવો પડ્યો હતો, ત્યારે હવે ભરૂચ નગર સેવા સદન દ્વારા સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને લઇ જવા માટે એક ખાસ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ 4 સ્વયંસેવકોને પણ તૈયાર કરાયા છે.
કોરોનાના સંક્રમણના ડરે સ્વજનો જ અંતિમ ક્રિયાથી દુર રહે છે, ત્યારે નગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્વયંસેવકો કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પણ કરશે. આ માટે સ્વયંસેવકોની સલામતી માટે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝર સહિતની વસ્તુઓ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સ અને સ્વયંસેવકોની સેવા સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ઉપલબ્ધ્ધ રહેશે. આ માટે નગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે.