- રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ ઝડપથી સ્વસ્થ થાય તે માટે યજ્ઞનું આયોજન
- કોંગ્રેસના આગેવાનો દ્વારા મહામૃત્યુંજયના જાપ કરાયા
- અહેમદ પટેલના સ્વસ્થ માટે પ્રાર્થના
ભરૂચ: રાજ્યસભાના સાંસદ અને અંકલેશ્વરના પનોતા પુત્ર અહેમદ પટેલને 2 મહિના અગાઉ કોરોના થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ 3 દિવસ અગાઉ તબિયત લથડતા તેમને દિલ્લીની વેદાન્તા હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓની હાલત હાલમાં સ્થિર છે, પરંતુ તેઓ ઝડપથી સાજા થાય તે માટે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના આગેવાન મગનભાઈ પટેલે કર્યું આયોજન
અંકલેશ્વરના કોંગ્રેસના આગેવાન મગનભાઈ પટેલ દ્વારા તેઓના પરિવાર સાથે અહેમદ પટેલની તબિયત માટે મહામૃત્યુંજયનાં જાપ તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોતાના લોકલાડીલા નેતાની તબિયતમાં ઝડપથી સુધારો થાય તેવી કામના કરવામાં આવી હતી.
અહેમદભાઈ પટેલ હાલમાં માત્ર ભરૂચ જીલ્લાનું જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ દિલ્લી ખાતે કરી રહ્યા છે, ત્યારે દિગ્ગજ આગેવાનો પણ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.