ભરૂચઃ નગર સેવા સદનનાં સભાખંડમાં પ્રમુખ સુરભી તમાકુવાલાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ શાખાના કુલ 38 કામો રજુ કરવામાં આવ્યા હતા, જેને વિપક્ષનાં વિરોધ વચ્ચે મંજૂરી આપવામાં આવી હતી.
ત્રિમાસિક હિસાબ અને આવનાર બજેટમાં શાશકો દ્વારા ખોટા આંકડા રજૂ કરાયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે જ ચોમાસમાં પૂર પીડિતોને નગરપાલિકા દ્વારા જે જમવાનું આપવામાં આવ્યું હતું, જેનો ખર્ચ રૂપિયા 6.84 લાખ થયો હતો, જેને ધ્યાન પર લેવા મુદ્દો રજૂ કરાયો હતો, જેમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, પૂર પીડિતોને આપવામાં આવેલા જમવાનાનાં કોન્ટ્રાકટમાં ભ્રષ્ટાચાર કરાયો છે. એક જ વ્યક્તિ દ્વારા ત્રણ અલગ અલગ નામથી ટેન્ડર ભરવામાં આવ્યા હતા અને માનીતા વ્યક્તિને કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો હતો. આ તરફ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલાએ વિપક્ષનાં તમામ આક્ષેપ ફગાવ્યા હતા અને નિયમ મુજબ જ કામગીરી થઇ હોવાનું જણાવ્યું હતું.