ભરૂચઃ શહેરના મુંડા ફળિયામાં મસ્જિદ પાસે રહેતી વૃદ્ધા મેમુન મૈયુદ્દીન શેખ બેકરીવાલાને ડાયાબિટીસની બિમારી હતી. તેમની તબિયત લથડી હતી. તેમને પહેલાં જીવન જ્યોત હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો થતાં ત્યાંથી બરોડા હાર્ટ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાં તેમનો એક્સ-રે કરવામાં આવતાં તેમને ન્યુમોનિયા હોવાની જાણ થઈ હતી. આ સિવાય તેમને કોરોનાની અસર હોવાની શંકા તબીબોને થતાં તેમણે તરત સ્વાસ્થય વિભાગને જાણ કર્યા બાદ તરત જ જયાબેન મોદી કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ત્યાં સ્વાસ્થય વિભાગે તેમના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલ્યા હતાં. સારવાર દરમિયાન જ તેમનુે મોત થવાથી તેમનો રિપોર્ટ ખાસ કિસ્સામાં વહેલો કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે સરકારની કોરોના ગાઇડ લાઇન પ્રમાણે તેમની અંતિમ વિધી કરી હતી. કોરોનાથી મૃતક મેમુના મૈયુદ્દીન શેખનો નજીકનો સંબંધી ઇમરાન શેખને પણ છેલ્લાં બે-ત્રણ દિવસથી શરદી-ખાંસી હોવાથી તેને ભરૂચની પામલેન્ડ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે, મેમુનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્વાસ્થય વિભાગે તેને પણ વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મૃત્યુ પામેલી મહિલાની જે હોસ્પિટલમાં સારવાર થઇ હતી એ જીવન જ્યોત હોસ્પિટલ અને બરોડા હાર્ટ હોસ્પિટલ તથા તબીબો અને સ્ટાફને તંત્ર દ્વારા ક્વોરન્ટાઈન કરવાના આદેશ આપવામાં આવ્યા છે.