- પાલનપુરનો યુવાન છ વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી 10 લાખ કમાઇ છે
- સિંગાપોરમાં એમબીએની ડિગ્રી મેળવી
- માતાને કેન્સર થતાં ઓર્ગેનિક ખેતી કરવાનો નિશ્ચય
પાલનપુરઃ રાસાયણિક પદાર્થોથી કેન્સર જેવા અસાધ્ય રોગો થતા હોય છે, ત્યારે વિદેશમાં અભ્યાસ કરનારા એક યુવાનને જયારે ખબર પડી કે તેની માતા કેન્સરથી પીડાય છે તો બધું જ પડતું મૂકી યુવક પોતાના વતન પાલનપુર આવી ગયો અને વેરાન પડેલી બાપ-દાદાની ખેતીની જમીનમાં રસાયણ અને જંતુયુક્ત દવા વિનાની ઓર્ગેનિક ખેતી કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. પરિણામે આજે સજીવ ખેતી આ યુવાને નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
યશ પઢીયાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર હોવા ઉપરાંત સર્ટિફાઇડ ઓર્ગેનિક ફાર્મર છે
યશ જયંતીભાઈ પઢીયારે સિંગાપોરમાં એમબીએની ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ માતાના કેન્સરના સમાચાર સાંભળી તે પોતાના વતન બનાસકાંઠાના પાલનપુર પરત આવવાનો નિર્ણય કર્યો. દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં પ્રોફેસર તરીકે જોડાયા બાદ મોટા ભાગે રાસાયણિક ખાતરોના લીધે કેન્સર જેવા રોગો થવાનું ધ્યાને આવતાં તેણે લોકો કઈ રીતે કેન્સરથી બચી શકે તે બાબતે વિચાર શરૂ કર્યો અને છેવટે તેણે ઓર્ગેનિક ફાર્મિંગથી ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. પહેલાં પોતાના ઘરે કિચન ગાર્ડન બનાવ્યું, ત્યારબાદ આજે તેઓ પોતાના ખેતરમાં માત્ર 6 વિધા જમીનમાં શાકભાજી વાવી અમદાવાદ, ગાંધીનગર વગેરે સ્થળોએ વેચી વર્ષે 9થી 10 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે.
સજીવ ખેતીના સફળ અનુભવ વિશે વિદેશોમાં પણ લેક્ચર આપી ચુક્યા છે
યશે વિદેશથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સજીવ ખેતીને સમજવા પહેલાં અનેક દેશોમાં પ્રવાસ કર્યો, ત્યારબાદ દેશી પ્રાકૃતિક પદ્ધતિ, વૈદિક પદ્ધતિ, બાયોડાયનેમેટિવ પદ્ધતિથી કેમિકલ વિનાની સંપૂર્ણ ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા લાગ્યા. ખેતીમાં કઈ રીતે ખર્ચ ઓછો કરી વધુ નફો કમાવી શકાય તે માટે પણ તેમણે જુદી જુદી પદ્ધતિ અપનાવી છે. જેમાંથી આજે તેઓ ઓછી જમીનમાં પણ લાખો રૂપિયાનો નફો સરળતાથી પ્રાપ્ત કરી રહ્યા છે. શરૂઆતમાં શાકભાજી વેચવામાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ આજે તેમની શાકભાજીનો સ્વાદ ગુજરાતના તમામ નામાંકિત વ્યક્તિઓ ચાખી ચુક્યા છે. સજીવ ખેતી બદલ તેમને બેસ્ટ ઓર્ગેનિક ફાર્મરનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. યશે પોતાની આ સિદ્ધિ ના અનુભવ વિદેશોમાં લેક્ચર આપીને પણ વર્ણવ્યા છે.
યશે અન્ય નાના ખેડૂતોને પણ સક્ષમ કરવા અભિયાન હાથ ધર્યુ
યશ પઢીયારે કેમિકલ વિનાની આરોગ્યપ્રદ શાકભાજી ઉગાડી આજે પોતાની ટેલેન્ટ વિદેશોમાં પણ સાબિત કરી છે, ત્યારે યશ પઢીયારે હવે અન્ય નાના ખેડૂતોને પણ પોતાની જેમ સિદ્ધિ પ્રાપ્ત થાય તે માટે અભિયાન હાથ ધર્યું છે. નાના નાના ખેડૂતોને એકત્ર કરી તેઓ એક એફપીઓ (ફાર્મર પ્રોડ્યુસર કમ્પની) બનાવવા જઈ રહ્યા છે. જેથી દરેક ખેડૂત સુખી બને. યશે ખેતીમાં મેળવેલી યશશ્વી સિધ્ધિ અન્યો માટે પણ પ્રેરણારૂપ છે.