પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી અનેક યુવક અને યુવતીઓએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે. હાલમાં લોકો ક્યાંક નહેરમાં પડી આત્મહત્યા કરે છે તો ક્યાંક ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરે છે, ત્યારે આવા બનાવો ન બને તે માટે દરેક સમાજના લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે.
આવો જ એક બનાવ સોમવારે પાલનપુરમાં બનવા પામ્યો હતો. પાલનપુર તાલુકાના પખાણવા ગામે યુવક અને યુવતીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બંને યુવક અને યુવતી વખાણવા ગામના રહેવાસી છે. જેમાં માજીરાણા જીતેન્દ્રભાઈ હરચંદભાઈ અને માજીરાણા દિવ્યાબેન રમેશભાઈ નામની યુવતી અને યુવકે પખાણવા પ્રાથમિક શાળામાં આત્મહત્યા કરી હતી. જ્યાં આ વાતની જાણ સવારે આસપાસના લોકોને થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ આત્મહત્યાના સમાચારથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. જે બાદ આજૂબાજૂના લોકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી હતી અને પોલીસ આ બને યુવક યુવતીની મૃતદેહનો કબ્જો મેળવી ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે દીશામાં તપાસ શરૂ કરી હતી.
આ બંને યુવક યુવતીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તેનું કારણ હજુ સુધી અકબંધ છે. પરંતુ હાલ તો પોલીસે આ બને યુવક યુવતીની મૃતદેહને પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા હતા.