ડીસા: વિશ્વ અત્યારે કોરોના વાઇરસના ખતરામાં છે અને હજુ સુધી આ ખતરનાક વાયરસની દવા પણ શોધાઈ નથી. ત્યારે આ વાઇરસથી બચવા માટે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે અને અત્યારે તકેદારીના ભાગરૂપે ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરવું અને કામકાજ અર્થે બહાર જવાનું થાય તો ફરજિયાત માસ્ક પહેરવું કે જેથી આ બીમારીને આગળ વધતી અટકાવી શકાય.
પરંતુ આટલી ગંભીર બીમારીને લઈ પણ કેટલાક લોકો ગંભીરતા દર્શાવી નથી રહ્યું અને લોકડાઉનનું ઉલ્લંઘન કરવા ઉપરાંત માસ્ક વગર જ જાહેરમાં ફરતા નજરે પડતા હોય છે. ત્યારે આ વૈશ્વિક મહામારીનો અંકુશમાં લેવા માટે ડીસાના કેમિસ્ટ એસોસિએશને આજે મહત્વનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય પ્રમાણે ડીસાના મેડિકલ સ્ટોર પર દવા ખરીદવા આવતા ગ્રાહકોને ફરજિયાત માસ્ક પહેરીને જ આવવું પડશે. માસ્ક વગર કોઈ ગ્રાહક દવા ખરીદવા આવશે તો ડીસાના એક પણ મેડિકલ સ્ટોર પરથી દવા આપવામાં આવશે નહીં. ડીસા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખને આશા છે કે આ નિર્ણયને પગલે લોકો ગંભીર બનશે અને માસ્ક પહેરવાની ટેવ પડશે અને કોરોના સામેની લડાઈમાં આપણે જીત મેળવી શકીશું.