Water Crisis in Danta : ઘરઆંગણે પાણીના નળ, પણ પાણી માટે ઠેરઠેર રઝળપાટ કરતાં 200 લોકો - પાણીના નળ
ઉનાળાની ગરમી હોય ને પાણીની વધુ જરુરિયાત હોય ત્યારે ઠેર ઠેર પાણી ગોતવા જતાં લોકોની રઝળપાટની આ વાત છે બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામના ભદ્રમાળ ગામની. અહીં એક વર્ષથી ઘરઆંગણે પાણીના નળ આવી ગયાં છે પણ નલ સે જળની યોજનાના પાણીની બૂંદના દર્શન થયાં નથી.
દાંતા : બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે. જ્યાં નળ સે જળની યોજના તો પહોંચી છે પણ જળ દેખાતા નથી. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સરકારી યોજનાઓ પહોંચે છે પણ કારગર સાબિત થતી નથી તેનું આ જીવતુંજાગતું દ્રષ્ટાંત છે.સરકારની પાણી પુરવઠા માટેની યોજના નળ સે જળ યોજના દાંતા તાલુકાના ભદ્રમાળ ગામે પહોંચી તો ગઈ છે છતાં ગામના 200 પરિવાર લોકો પાણી માટે ઠેર ઠેર ટળવળી રહ્યા છે.
ભદ્રમાળ ગામે નળ સે જળ યોજના ; યોજના હેઠળ માટે સરકાર દ્વારા પાણીના મોટા ટાંકા પણ બનાવ્યા છે પણ પાણી ભરાયું નથી. સુકાભટ્ટ પડેલા પાણીના ટાંકા ગમે ત્યારે તિરાડો પડી જવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે. તો ગામલોકોની રઝળપાટની તો શું વાત કરવી. આ ગામના લોકો એક કિલોમીટર સુધીને ફરીફરીને પણ પાણી મેળવી શકતા નથી. સવાર સાંજ સતત મૂંઝવતો પાણીનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે.
આ પણ વાંચો Water Crises: બન્નીના નાના સરાડા ગામના માલધારીઓની હિજરત, ખુદ સરપંચે ગામ છોડ્યું
નળ સે જળની યોજનાનો હરખ : વરસોથી આ વિસ્તારને પાણી મળ્યું નથી ને છેલ્લા એક વર્ષથી સરકારની નળ સે જળની યોજના આવી તો ગ્રામવાસીઓ ભારે હરખાઈ ગયા હતાં કે હવે પાણી ઘરઆંગણે મળશે. પાણીની સમસ્યા ઉકેલાવાની આશા પ્રબળ બની. પણ વાસ્તવિકતા એ સામે આવી કે આ યોજના થકી ઘરના આંગણામાં નળ લગાવી દીધે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે પણ હજી પાણીનું ટીપું પણ જોવા મળ્યું નથી. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મહત્તમ આદિવાસી અને ગરીબ પ્રજા વસવાટ કરે છે ત્યારે નળ સે જળની યોજના હથેળીમાં ચાંદ સમાન બની ગઇ છે.
પાણી માટે ઠેરઠેર રઝળપાટ : સ્થાનિકોનું કહેવું છે કે આ પાણી લેવા નાના મોટા સૌ લાઈનબંધ રહી પાણી માટે ઠેર ઠેર ભટકવું પડે છે. તેમાં અભ્યાસ કરતા બાળકો પણ જોવા મળી રહ્યાં છે. ખાલી બેડાં લઈ પાણી માટે આમતેમ વલખાં મારતા બાળકો શું ભણવા જાય. તેમના અભ્યાસ ઉપર પણ મોટી અસર થઇ રહી છે. ક્યાંક હેંડપંપ જોવા મળે છે પણ તેમાં પણ પાણીના તળ નીચે જતા રહ્યા હોવાથી પૂરતું પાણી મળતું નથી અને ભારે પ્રયાસ બાદ પાણી મળી શકે છે. એક તરફ માણસની તરસ બૂઝાતી નથી ત્યાં મૂંંગા પશુઓ પણ પાણી વગર ટળવળે છે.
અધિકારીઓ બેપરવા : હાલના તબક્કે ભરઉનાળામાં પાણી વગર ભદ્રમાળ ગામના લોકો પાણી પાણીનો પોકાર કરી રહ્યા છે. ત્યારેે બીજી તરફ આ યોજનાને ગામડાઓ સુધી લઇ જનાર અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. આ પાણી પુરવઠાની સ્કીમ બાબતે તેમને શી સમસ્યાઓ છે તે વિશે કંઈ પણ કહેવામાંય પાછીપાની કરી રહ્યા છે.
પાણીના ટાંકા : હાલ તબક્કે ગામ લોકોમાં એક જ સવાલ થઇ રહ્યો છે આખરે આ નળમાં જળ ક્યારે આવશે. મોટા હોય તો મોટા બેડા ઉપાડે છે ને નાના હોય તો નાના બેડા લઇ પાણી માટે ઠેર ઠેર વલખા મારતા આ ગ્રામ વાસીઓની તરસ ક્યારે મીટશે એ પ્રશ્ન પેચીદો બન્યો છે. હાલના તબક્કે તો ગામમાં પાણીના બનાવેલા મોટા ટાંકા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.