બનાસકાંઠા: સરહદી બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી પાણીની બુંદ બુંદ માટે વલખા મારી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં છેલ્લા પાંચ વર્ષથી પાણી માટે લોકો ભારે હલાકીનો સામનો કરી રહ્યા છે. મોટાભાગે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓમાં જેમ જેમ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેમ તેમ પાણીની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે
ખેડૂતો-પશુપાલકોની હાલત કફોડી: ETV ભારતની ટીમ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા લાખણી વિસ્તારની મુલાકાતે પહોંચી હતી. લાખણી વિસ્તારમાં પહોંચતા જ ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી પાણીના તળ ઊંડા જતા રહ્યા છે જેના કારણે હાલમાં ખેતી કરવી પણ મુશ્કેલ બની છે. 4000 વસ્તી ધરાવતું ધુણસોલ ગામમાં મોટાભાગે ખેડૂત ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો અને પશુપાલકોની પાણી વગર કફોડી હાલત બની છે.
ખેડૂતો ખેતી છોડી બન્યા મજુર: હાલમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા ધુણસોલ ગામના મોટા ભાગના ખેતર વાવેતર કર્યા વગર ખાલીખમ જોવા મળી રહ્યા છે. આ અંગે અહીંના ખેડૂતોએ વિધાનસભાના ધારાસભ્ય કેશાજી ચૌહાણને પાણી પહોંચાડવા માટે અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી. હાલમાં મોટાભાગના ખેડૂતોએ ખેતી છોડી મજૂરી કરવા મજબૂર બન્યા છે. પાણીની તંગીની અસર પશુપાલન પર થતા પશુપાલકો પશુઓ વેચવા મજબૂર થયા છે.
બોરના પાણી થયા ખાલીખમ: ETV ભારતની ટીમ જયારે બીજા એક ડેકા ગામ પહોંચતા જાણવા મળ્યું કે ગામમાં 200થી પણ વધુ ખેડૂતોના ખેતરોમાં હાલ આઠ લાખના ખર્ચે બનાવેલા બોર પાણી વગર ખાલી ખમ જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે જેના કારણે પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું તે પણ સમજાતું નથી. હાલમાં મોટાભાગના ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ મળ્યા છે ત્યારે સરકાર દ્વારા ગામમાં પાણીના તળાવો ભરવામાં આવે અથવા તો નહેર મારફતે ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે.
પાણી માટે વલખા: 3500 લોકોની વસ્તી ધરાવતું લાખણી તાલુકાના નાણી ગામ સુકા રણ સમાન બનીને રહી ગયું છે. ગામની વાત કરીએ તો નાણી ગામમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહે છે. વર્ષોથી નાણી ગામમાં પાણીની સુવિધા હોવાના કારણે અહીંના ખેતરો પાકોથી હર્યા ભર્યા રહેતા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી પાણીના તળ 800 ફૂટ જતા રહેતા હાલમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો હાલ પોતાની જમીન પાણી વગર વાવેતર કર્યા વગર રાખી છે.