પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. જેનાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જે બાદ બે દિવસના લાંબા વિરામ બાદ ફરી આજે બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થયો હતો. બનાસકાંઠામાં આજે બે દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ડીસા , પાલનપુર , વાવ , સુઈગામ સહિત મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામતાં ખેડૂતો ખુશખુશાલ બન્યાં છે.
ખાસ કરીને પાલનપુરમાં વરસાદી ઝાપટું પડતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી મુખ્ય માર્ગો પર પણ એક ફૂટ જેટલું પાણી ભરાયું હતું. મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બે દિવસ બાદ ફરી એકવાર વરસાદી માહોલ બનતો અને સાર્વત્રિક વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે., ઓછા વરસાદવાળા વિસ્તાર વાવ અને સૂઇગામમાં પણ ધોધમાર વરસાદ થતાં લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.
જો કે જિલ્લાના ત્રણેય જળાશયોમાં હજુ નહિવત જેટલું જ પાણી છે, ત્યારે ભારે વરસાદ થાય અને જિલ્લાના તમામ જળાશયો છલકાઈ જાય તેવી લોકો વરુણદેવ પાસે આશા રાખી રહ્યાં છે.