- પાલનપુરથી પરિવાર અમીરગઢમાં પીકનીક માટે આવ્યો હતો
- બનાસનદીમાં બે પિતરાઈ ભાઈઓ ડૂબી જતા મોત
- બનાસકાંઠાના અનેક સ્થળોએ કુદરતી સૌંદર્ય જોવા માટે પીકનીક મનાવવા આવે છે લોકો
બનાસકાંઠાઃ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન બનાસનદી બે કાઠે વહી રહી છે. કોરોના વાઈરસના આ કપરા કાળમાં પણ લોકો પીકનીક મનાવવા આવી રહ્યા છે, ત્યારે બનાસનદીમાં પીકનીક માટે આવેલા પાલનપુરના બે પિતરાઈ ભાઈઓ ચેકડેમમાં ડૂબી જતાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે.
જેશોરના જંગલો અને નદીઓ જોવા માટે પર્યટકો મોટી સંખ્યામાં આવે છે
જિલ્લામાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે કોરોના વાઈરસની મહામારી વચ્ચે પણ જિલ્લાના અનેક સ્થળોએ લોકો પીકનીક મનાવવા અને કુદરતી સૌંદરર્ય જોવા માટે ઉમટી રહ્યા છે. મોટાભાગે જિલ્લાના જેશોરના જંગલો અને નદીઓ જોવા માટે આ વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની અરવલ્લીની ગિરિમાળામાંથી પસાર થતી બનાસનદી આ વર્ષે બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે આ નદીમાં પર્યટકો મોટી સંખ્યામાં ન્હાવાની મોજ માણી રહ્યા છે. પરંતુ કેટલીવાર નદીઓમાં ઊંડા પાણીમાં ગરકાવ થતા મોતની ઘટનાઓ પણ જોવા મળે છે. ત્યારે હાલમાં અમીરગઢની બનાસનાદીમાં પાલનપુરથી પીકનીક માનાવવા આવેલા પરિવારમાં ખુશીની જગ્યાએ માતમમાં ફેરવાઈ હતી.
પાલનપુરના પીકનીક મનાવવા આવેલા બે પિતરાઈ ભાઈઓના મોત
અમીરગઢ પાસેથી વહેતી બનાસ નદીમાં અસંખ્ય લોકો દૂર દૂરથી પીકનીક માટે આવે છે અને નદીના પાણીમાં ન્હાવાની મજા માણી આનંદ અનુભવે છે. ઘણીવાર લોકો પાણીના વહેણમાં ડૂબતા મૃત્યુ પણ પામે છે. આવો જ એક દર્દનાક બનાવ અમીરગઢ પાસે બનાસનદીમાં બન્યો છે. પાલનપુરનો એક પરિવાર બનાસ નદીમાં પીકનીક માટે આવ્યો હતો. પરિવાર મોજમસ્તી કરી રહ્યા હતા, તે દરમિયાન બે પિતરાઈ ભાઈઓ રિઝવાન બલોચ અને સોહેલખાન પઠાન બનાસનદીમાં આવેલા ચેકડેમના ઊંડા પાણીમાં ન્હાવા પડ્યા હતા.
બે કલાકની જહેમત બાદ બંને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા
ન્હાવા પડેલા બંને યુવકો થોડીવારમાં ડૂબવા લાગતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. ડૂબતા યુવકોને બચાવે ત્યાં સુધીમાં તો પરિવારની નજર સામે જ બંને નદીના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ પણ આવી પહોંચી હતી અને બે કલાકની જહેમત બાદ મૃતક બંને પિતરાઈ ભાઈઓના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. આ મામલે અમીરગઢ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.