બનાસકાંઠાઃ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ સામાજિક સંસ્થાઓ અને વનવિભાગ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. એક તરફ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે હજુ સુધી વરસાદ પડ્યો નથી. જેના કારણે જળ સંકટની મોટી સમસ્યાના એંધાણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સારો વરસાદ થાય તેવી આશાએ બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
સામાજિક વનીકરણ પાલનપુર દ્વારા વિસ્તરણ રેન્જ વાવની રાહ બરી હેઠળ 71માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ વાવ તાલુકાના ડેડાવા ગામે ગૌશાળામાં યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા બનાસકાંઠાના વાવ તાલુકાના વાવથી 25 કિલોમીટરના અંતરે આવેલા ડેડાવા ગામે ગૌશાળાની પવિત્ર ભૂમિમાં વિસ્તરણ રેન્જ વાવ દ્વારા અલગ-અલગ પ્રકારના વૃક્ષો જેવા કે લીમડા, નીલગીરી, જાબુડો જેવા 300 વૃક્ષો વાવી અને 2000 હજાર વૃક્ષોનું વિતરણ કરી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડેડાવા સરપંચ રેવાભાઈ નાઈ, વનરક્ષકમાં ફરજ બજાવતો તમામ સ્ટાફ, ગ્રામજનો, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ અમીરામભાઈ જોશી તેમજ વિસ્તરણ રેન્જ ઓફિસર હેમાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ તમામ લોકોએ ભેગા મળી અલગ-અલગ વૃક્ષો લીંબડા, નીલગીરી જેવા અનેક પ્રકારના આશરે 300 જેટલા ગૌશાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને 2000 જેવા વૃક્ષોનું ગ્રામજનોને વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો પર્યાવરણને લાગતા કરવામાં આવે છે. દર વર્ષે વૃક્ષા રોપણના કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં મહત્વનો ફાળો જંગલ ખાતું આપતું હોય છે. જ્યારે સરકાર વૃક્ષો ઉછેરવા તનતોડ મહેનત પણ કરતું હોય છે. આ ઉપરાંત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી પર્યાવરણને ટકાવી રાખવા અનેક ઉપાય કરતું હોય છે.