- ડીસાના જીવદયા પ્રેમીઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત
- ગાડી પલટી ખાતા ઘટનાસ્થળે ત્રણના મોત, બે ઇજાગ્રસ્ત
- જીવદયા પ્રેમીઓના મોતથી સમગ્ર ગુજરાતમાં શોક
બનાસકાંઠાઃ રાજસ્થાનમાં દર્શનાર્થે જઇ રહેલા ડીસાના જીવદયા પ્રેમીઓની ગાડી પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા, જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ડીસાના જીવદયા પ્રેમીઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત
બનાસકાંઠાના ડીસામાં રહેતા ભરતભાઈ કોઠારી છેલ્લા 40 વર્ષથી અબોલ જીવોને બચાવવાનું કાર્ય કરે છે. અત્યાર સુધી તેમણે લાખો પશુઓને કતલખાને જતા અટકાવી તેમના જીવ બચાવ્યા છે. જેઓ મિત્રવર્તુળ અને જૈન અગ્રણીઓ સાથે રાજસ્થાનના જહાજપુર જૈન મંદિર ખાતે દર્શનાર્થે નીકળ્યા હતા, ત્યારે જાલોર પાસે ભરતભાઈ કોઠારીની પજેરો ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ગાડી ફંગોળાઈને ઝાડીમાં ફેંકાઈ ગઈ હતી. જેમાં ભરતભાઈ કોઠારી, વિમલભાઈ જૈન અને રાકેશ ધરીવાલને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે આસપાસના લોકો તેમજ જૈન સમાજના લોકો અને જીવ દયા પ્રેમીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી અને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જીવદયા પ્રેમીઓના મોતથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી
આ ઘટનાથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં જૈન સમાજ અને જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ભરતભાઈ કોઠારીએ સરકાર સામે અબોલ જીવોના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો અને સરકારે તેમની વાત સાંભળી ગુજરાતની ગૌશાળાઓમાં ઘાસચારો અને ગ્રાન્ટની ફાળવણી કરી હતી.
ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારીના મોતથી ડીસામાં શોકનો માહોલ
ભરત કોઠારી રાજપુરના રહેવાસી છે અને જાતે જૈન ધર્મ અપનાવે છે. છેલ્લા 40 વર્ષથી ભરતભાઈ કોઠારી કપરી પરિસ્થિતિમાં પણ અબોલ પશુઓને બચાવવા માટેની કામગીરી કરી હતી. કોઈપણ ગૌશાળાનું આંદોલન હોય ત્યારે ભરતભાઈ કોઠારી સૌપ્રથમ આંદોલનમાં જોડાઈ તમામ ગૌશાળાને ન્યાય પાડતા હતા. ભરતભાઈ કોઠારી આમ તો સારા સ્વભાવના હતા, પરંતુ તેમના કામ થકી આજે પણ લોકો તેમને યાદ કરી રહ્યા છે. તેમના અકસ્માતની જાણ ડીસામાં વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. રાજસ્થાનમાં દર્શન કરવા જતા તેમને અકસ્માત નડ્યો હતો, જ્યાં તેમનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેની અકસ્માતની જાણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકો સુધી પહોંચતા લોકોમાં દુઃખ જોવા મળ્યું હતું.
આ અકસ્માતમાં મૃતકોના નામ
ભરતભાઈ કોઠારી
વિમલભાઈ જૈન
રાકેશ ધરીવાલ