બનાસકાંઠા: અમીરગઢ તાલુકાનું બાંટાવાડા ગામ જેથી ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલું છે. 2થી 3 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં દરેક જ્ઞાતીના લોકો વસવાટ કરે છે. આ ઉપરાંત ગામના દરેક વ્યક્તિ ખેતીવાડી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેથી ગ્રામજનોને તકલીફથી દૂર રાખવા માટે આ જ ગામમાં દૂઘ ઉત્પાદક મંડળી કાર્યરત કરવામાં આવી છે. આમ છતાં મંડળીના મંત્રીના મનસ્વી વર્તનથી ગ્રામજનો દ્વારા મંડળીને લગભગ 17 દિવસથી તાળા મારવામાં આવ્યાં છે.
બાંટાવાડા ગામના લોકોના જણાવ્યા અનુસાર, મંડળીના મંત્રીએ ગત 2 વર્ષથી મંડળી કાર્યાલયમાં પણ સમયસર હાજરી આપી નથી. આ ઉપરાંત મંડળીની ઠરાવ બૂકમાં છેડછાડ કરી પોતાના કૌટુંબિક ભાઇની ચેરમેન પદે નિમણૂક કરી મંડળીમાં મળતો ભાવફેર આજ દિન સુધી ગ્રાહકોને આપવામા આવ્યો નથી.
મંડળીમાં પોતાની મનમાની ચલાવી ગ્રામજનોની જાણ બહાર કમિટીના સભ્યો તરીકે પણ કૌટુંબિક માણસો રાખવામાં આવ્યા છે. મંડળીમાં ખરેખર 2 કર્મચારીની જરૂર છે, તેમ છતાં મંત્રી દ્વારા પોતાના 5 મળતીયાઓને કર્મચારી તરીકે રાખવામાં આવ્યા છે.
ગત 2 વર્ષથી મંડળીમાં દૂઘ ભરાવવા આવતા ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવે છે. જેમાં ફેટમશીન તથા વજન કાંટાનો આંકડો ગ્રાહકને ન દેખાય તે રીતે દૂઘ લેવામાં આવે છે. આ સાથે જ ગામની જાહેર સભામાં ગ્રામજનો સાથે ખોટી ભાષાનો પ્રયોગ કરે છે અને ગ્રામજનોને ધાક-ધમકીઓ પણ આપે છે. આ તમામ મુદ્દાને લઈને બાંટાવાડા ગામના ગ્રામજનો તેમજ મંડળીના સભાસદોની સંમતિથી 13 જુલાઈ 2020ના રોજ દૂઘ મંડળીને તાળા મારવામાં આવ્યા છે. આ સાથે જ ગ્રામજનોએ જયાં સુઘી બાંટાવાડા દૂઘ મંડળીના મંત્રી વશરામ રબારી રાજીનામું નહીં, ત્યાં સુધી દૂઘ મંડળીના તાળા નહીં ખોલાવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
દૂઘ મંડળીના મંત્રીની મનમાનીથી ત્રસ્ત બનેલાં ગ્રામજનોએ 6 જુલાઈ 2020ના રોજ રાજ્યના મુખ્યપ્રધાન, કલેક્ટર, જિલ્લા રજીસ્ટાર કચેરી, બનાસડેરીના ચેરમેન અને સ્પેશિયલ વિજિલન્સને પણ લેખીતમાં કરી હતી, પરંતુ આ વગદાર દૂઘ મંડળીના મંત્રી પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ગ્રામજનો દ્વારા મંડળીને તાળા મારવામાં આવ્યાં છે. આ મામલે ગામમા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમીરગઢ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.